ખંભાળિયા નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી સંસ્થા ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા આગામી વર્ષના નવા હોદ્દેદારોની વરણી થતા શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત અત્રે નવી લોહાણા મહાજનવાડી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયાના આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના નવા હોદ્દેદારોની વરણીમાં અહીંના જાણીતા સેવાભાવી સદગૃહસ્થ વિનુભાઈ બરછા(ઘી વારા)ને વધુ એક વખત પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સેક્રેટરી તરીકે હાડાભા જામ તથા ટ્રેઝરર તરીકે ડો. સાગર ભૂતની વરણી કરવામાં આવતા આ પ્રસંગે યોજવામાં આવેલા ખાસ શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમના પ્રારંભે રેખાબેન જામ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધિરેનભાઈ બદીયાણીની ખાસ ઉપસ્થિતિમાં મિશન સ્ટેટમેન્ટ નિમિષાબેન નકુમ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદાય રહેલા પ્રમુખ મનસુખભાઈ નકુમે સૌનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વજુભાઈ પાબારી, એવરેસ્ટ શિખર સર કરવાની અનોખી સિદ્ધિ મેળવનારા ડો. સોમાત ચેતરિયા, સેવા કુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર વિગેરેએ ઉપસ્થિત રહી, કાર્યક્રમની શોભા વધારી હતી. નવા વરાયેલા પ્રમુખ વિનોદભાઈ બરછાએ આગામી વર્ષની સેવા પ્રવૃત્તિઓની રૂપરેખા આપી, લાયન્સ ક્લબનું નામ સેવા ક્ષેત્રે ગુંજતું રાખવાની ખાતરી આપી હતી. આગામી લાયન નવા વર્ષના પ્રથમ દિવસે સંસ્થામાં ચાર નવા સભ્યોનો ઉમેરો કરી, તેઓના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આગામી વર્ષનાં વરાયેલા ઝોન ચેરમેન હાડાભા જામ તથા માઇક્રો કેબિનેટ સદસ્ય શૈલેષભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદબોધન તથા આભાર દર્શન ડો. સાગર ભૂતે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બારાઈએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવા રહેલા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!