દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલા લમ્પી વાયરસનો પગ પેસારો દિવસે દિવસે વધી રહ્યો છે. દ્વારકા પંથકમાં થોડા સમય પૂર્વે મોટી સંખ્યામાં ગૌવંશ મૃત્યું પામ્યા હોવાની બાબત સામે આવી છે. આ વચ્ચે ખંભાળિયા તાલુકામાં પણ છેલ્લા એકાદ સપ્તાહથી ગાય તથા બળદમાં આ ચેપી રોગનું પ્રમાણ દિવસે-દિવસે વધી રહ્યું છે. આટલું જ નહીં, તાજેતરમાં ખંભાળિયામાં એક ગાય મૃત્યું પામ્યાનું પણ જાણવા મળ્યું છે. ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલા લમ્પી વાયરસ રોગની સારવાર સઘન સારવાર અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા સ્વ. લાભુબેન આર. બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. અહીંના સામાજિક અગ્રણી પરાગભાઈ બરછા દ્વારા અબોલ તિર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે હાલ લમ્પી વાયરસગ્રસ્ત પશુઓ માટે ખાસ અલગ શેડ તથા સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં હાલ ૧૩ જેટલા ગાય, બળદ, વાછરડા તેમજ ધણખુટની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના તબીબ ડોક્ટર એન.એચ. આંબલિયા તથા વેટરનરી દ્વારા સઘન સેવાકાર્યમાં હાલમાં દાખલ ગૌવંશ તથા આગામી સમયમાં પણ વધુ પશુઓ આવવાની પુરી સંભાવનાઓ વચ્ચે ચેપગ્રસ્ત પશુઓને નિયમિત ઇન્જેક્શન તથા જરૂરી બાટલાઓ ચડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞ માટે એનિમલ કેર ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પણ જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં કોઈપણ ગૌવંશ ધરાવતા આસામીએ તેમના પશુ જાહેરમાં ખુલ્લા ન છોડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.