ખંભાળિયામાં જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ સાથે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ – હોમીઓપેથીનો સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ તથા વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા આ આયુષ સર્વરોગ નિદાન, સારવાર તથા દવા કેમ વિતરણ કેમ્પના પ્રારંભે લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા(ઘી વારા)એ સૌને આવકારી, ઉદબોધન કર્યું હતું. આ કેમ્પમાં ખંભાળિયા શહેર તથા આસપાસના ૨૦૦થી વધુ દર્દીઓએ લાભ લઇ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આ સ્થળે યોગ માર્ગદર્શન, સ્વાસ્થ્યવૃત ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર અને આ તમામ બાબતો અંગે સવિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાયન્સ ક્લબના સેક્રેટરી અને ઝોન ચેરમેન હાડાભા જામે જરૂરી વ્યવસ્થા સંભાળી, કેમ્પ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત સંસ્થાના તત્કાલીન પ્રમુખ મનસુખભાઈ નકુમ, નિમિષાબેન નકુમ, દર્શનાબેન મહેતા, મહેન્દ્રભાઈ જાેશી તેમજ ડો. સાગર ભૂતે ઉપસ્થિત રહી, માર્ગદર્શન આપી અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કેમ્પમાં ખંભાળિયાની જનરલ હોસ્પિટલના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સર્વે નિષ્ણાંત ડોક્ટરો ડો. અંકિતા ડી.સોલંકી, ડો. મીરા એચ. ચાવડા, ડો. ઇવેંજલી ડી. ગામીત, ડો. ડિમ્પલ પી. પંડયા, ડો. કશ્યપ એન. ચૌહાણ, ડો. રત્નાંગ આર. દવે અને ડો. જીજ્ઞા બી. કુલર દ્વારા દર્દીઓને તપાસીને જરૂરી માર્ગદર્શન તથા સારવાર અર્થે દવાઓ આપવામાં આવી હતી.