લમ્પી વાયરસથી ખંભાળિયા તાલુકાના ૨૦૦ જેટલા ગૌવંશ સંક્રમિત

0

ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા સાથે સમગ્ર રાજ્યમાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલો લમ્પી વાયરસ રોગ હાલ મહામારી જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ રોગના કારણે ખંભાળિયા સહિત જિલ્લામાં અનેક ગૌવંશ મૃત્યું પામ્યા છે. ત્યારે આ રોગ સામે બાથ ભીડવા સરકારી તંત્ર સાથે સૌથી વધુ ગૌ સેવકો સક્રિય બન્યા છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા આશરે એકાદ સપ્તાહથી ગાય, બળદ, વાછરડા તેમજ ધણખૂંટમાં લમ્પી વાયરસનો રોગચાળો વધુ પ્રસરી ગયો છે. ચેપી અને જીવલેણ એવા લમ્પી વાયરસ રોગનો ભોગ ખંભાળિયામાં બે પશુ બન્યા છે. હાલ ખંભાળિયા તાલુકામાં આશરે ૨૦૦ જેટલા લમ્પી વાયરસના કેસ હોવાનું ગૌસેવકો દ્વારા જાણવા મળ્યું છે. આ પૈકી ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે હાલ ૪૦ જેટલા ગૌવંશને લમ્પી વાયરસની સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી સારવારથી પાંચ સ્વસ્થ થયા છે. ખંભાળિયામાં હાલ સરકારી તંત્ર દ્વારા ગૌવંશમાં લમ્પી વાયરસ પ્રતિરોધક રસી આવા તમામ ઢોરને આપવાની ઝુંબેશ હાથ કરવામાં આવી છે. આ માટે અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ગ્રુપ તથા વ્રજ ફાઉન્ડેશનના ગૌ સેવકો અને કાર્યકરો દ્વારા તમામ પ્રકારે સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યકરો દ્વારા તાલુકાભરમાં નિયમિત રીતે જુદા-જુદા વિસ્તારોમાં જઈ અને પશુઓને વેક્સિન આપવામાં આવે છે. આજસુધી ખંભાળિયા તાલુકામાં આશરે ૩,૨૦૦ જેટલા ગૌવંશને લમ્પી વિરોધી રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. ખંભાળિયા શહેરની નજીક આવેલા રામનગર, હર્ષદપુર અને ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તાર ઉપરાંત તાલુકાના હરીપર, બેહ, કોઠા વિસોત્રી, દાતા ગોઈંજ અને કલ્યાણપુર તાલુકાના ગાગા વિગેરે ગામોમાં પશુઓને વેક્સિન આપવામાં આવી છે. ગૌસેવકોને સ્થાનિક ગ્રામજનોના ફોન આવતા તેઓ તાકીદે વેક્સિન સાથે દોડી જઈ અને પશુઓને વેક્સિન આપે છે. આ મુદ્દે કોઈપણ આખા ગામના ગ્રામજનો વતી સરપંચ દ્વારા અહીંના એનિમલ કેર ગ્રુપના દેશુરભાઈ ધમાના મોબાઈલ નંબર ૯૧૦૬૯ ૧૦૩૫૮ ઉપર સંપર્ક કરી, આખા ગામના પશુઓને વેક્સિન એક સાથે મુકાવવામાં આવે તે બાબતે અપીલ કરવામાં આવી છે. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકામાં હાલ લમ્પી વાઈરસ માટેની રસીનો સ્ટોક તળિયે આવી ગયો છે. સરકાર દ્વારા તાકીદે રસીનો વધુ જથ્થો ફાળવવામાં આવે તે માટે પણ માંગ કરવામાં આવી છે.
લમ્પી વાયરસને મહામારી જાહેર કરવા કિસાન કોંગ્રેસની માંગ
પશુઓમાં દિવસે દિવસે વધતા જતા ચેપીરોગ લમ્પી વાયરસને સરકાર દ્વારા મહામારી જાહેર કરી, આ અંગે તાકીદે જરૂરી પગલાં લેવા તેમજ લમ્પી રોગના કારણે મૃત્યું પામેલા પશુધન બદલ એસ.ડી.આર.એફ.ની જાેગવાઈ મુજબ વળતર આપવા માટે કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં પશુચિકિત્સકોની અછત હોય, વહેલીતકે પશુચિકિત્સકોની ભરતી કરવા તેમજ ગૌવંશ માટે ઘાસચારો રાહત દરે અને પર્યાપ્ત પ્રમાણમાં પશુપાલકોને મળી રહે તે માટે પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારમાંથી પશુઓ માટે તાત્કાલિક દવા અને ઇન્જેક્શન પૂરા પાડવા ઉપરાંત આવા પશુઓમાં રસીકરણ ઝડપી કરવા પણ કિસાન કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!