દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝરમર વરસાદ : ખંભાળિયામાં એક ઈંચ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જાે કે, ગઈકાલે રવિવારે આખો દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ બરકરાર રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમ્યાન હળવા ઝાપટા વરસી ગયા હતા અને ખંભાળિયા તાલુકામાં આશ્ચર્યજનક રીતે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૧૨ કલાકના સમયગાળા દરમ્યાન એક ઈંચ(૨૩ મી.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ખંભાળિયા તાલુકામાં શનિવારે બે મીલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સાથે છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ભાણવડ તાલુકામાં બાર મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં એક મિલીમિટર વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરને પીવાનું તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરૂ પાડતો ઘી ડેમ ગઈકાલે વિધિવત રીતે ઓવરફ્લો થતો જાેવા મળ્યો હતો. જેને નિહાળવા રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ડેમ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં ૩૫ ઈંચ (૮૭૮ મિલિમિટર), કલ્યાણપુરમાં તાલુકામાં સાડા ૨૨ ઈંચ (૫૬૭ મિલિમિટર), દ્વારકામાં તાલુકામાં ૨૨ ઈંચ (૫૫૪ મિલિમિટર) અને ભાણવડ તાલુકામાં સડા ૧૪ ઈંચ (૩૬૮ મિલિમિટર) નોંધાયો છે. આ મોસમનો સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં ૧૦૮ ટકા અને દ્વારકા તાલુકામાં ૧૦૪ ટકા સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ ૮૩ ટકા વરસી ચૂક્યો છે. ખંભાળિયા સહિત જિલ્લામાં સચરાચર અને મહદ અંશે પર્યાપ્ત પ્રમાણમાં વરસાદ વરસી જતા વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. આજે પણ સવારથી વાતાવરણમાં વાદળોની જમાવટ રહી હતી. ગત શનિવાર તથા રવિવારે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે માત્ર હળવા છાંટા જ વરસતા લોકોએ તથા ખાસ કરીને ધરતીપુત્રોએ રાતનો દમ ખેંચ્યો હતો.

error: Content is protected !!