દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ચંદ્રવાડા ગામ ખાતે એકલા રહેતા વિધવા મહિલા સુમરીબેન સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયાનું ગત તારીખ ૨૦ જુલાઈના રોજ હૃદયરોગના હુમલાના કારણે મૃત્યું થયાનું તેણીના પુત્રી ભૂમિબેનને જણાવી અને ઝડપભેર પોરબંદર ખાતે કરી નાખવામાં આવેલી અંતિમ વિધિમાં મૃતકની પુત્રી તથા અન્ય પરિવારજનોની આશંકાના આધારે પાંચ કુટુંબીજનો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગેની ફરિયાદમાં અહીંના ડીવાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા એફ.એસ.એલ.ના અધિકારીઓને સાથે રાખી અને ઊંડાણપૂર્વકની તપાસમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ પ્રકરણમાં સંડોવાયેલા મૃતક મહિલાના ભાઈ એવા ગોરાણા ગામના રામદે જીવણભાઈ ગોરાણીયા તથા મૃતકના જેઠ કાના નાગાભાઈ મોઢવાડિયા નામના બે શખ્સોની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી હતી. ચારિત્ર્યની આશંકાના આધારે મૃતકના ભાઈ દ્વારા નિપજાવવામાં આવેલી હત્યા સંદર્ભમાં બંને આરોપીઓને તપાસનીસ પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા ગઈકાલે સોમવારે કલ્યાણપુરની કોર્ટમાં રજૂ કરી, નવ દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે બંને આરોપીઓના તારીખ ૩૦મી સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.