ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ નિમિતે લાખોની સંખ્યામાં ઉમટનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ ગોઠવવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કરી ગીર સોમનાથ જિલ્લા પોલીસવડાએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. જેમાં ખાસ મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓ સાથે ફરજ ઉપરના સુરક્ષાકર્મીઓ વિવેકપૂર્ણ વર્તન કરે તે માટે ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં ભાવિકો સોમનાથ આવેલ હતા. પરંતુ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો ભોળાનાથના સાનિધ્યે સોમનાથ આવવાની શક્યતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા મંદિર અને પરીસરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરાયેલ છે. જેને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ સોમનાથ મંદિરએ પહોંચી સુરક્ષા વ્યવસ્થાનું ખાસ નિરીક્ષણ કર્યુ હતુ. બાદમાં એએસપી ઓમપ્રકાશ જાટ, ડીવાયએસપી એમ.એમ.પરમાર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સુરક્ષાને લઈ કરાયેલ આયોજનની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. આ અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, આ વર્ષે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો આવે તેવી ધારણા છે. જેથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરેલ છે. જેમાં મંદિર પરીસરમાં પ્રથમ વખત વોચ ટાવર ઉભો કરી ત્યાંથી લોકોની હિલચાલ પર ખાસ નજર રખાશે. આ ઉપરાંત મંદિર ખાતે ૨૫૦ પોલીસ જવાનો, ૧ એસઆરપીની બટાલીયન, બોમ્બ ડિસપોઝલ સ્કોવોડ, ડોગ સ્કોવોડ, ક્યુ.આર. ટીમ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે. ઉપરાંત ૫૩ સીસીટીવી થકી બાજ નજર રાખશે.
વધુમાં મંદિર દર્શનાર્થે પ્રવેશતા તમામ દર્શનાર્થીઓનુ બે સ્તરીય ચેકીંગ કરાશે. જેમાં પવિત્ર શ્રાવણ માસને જાેતા વધારાની ચેકીંગ હરોળ ઉભી કરાઈ છે. મંદિર ખાતે ૨૦ જેટલા હેન્ડ મેટલ ડીટેકટર સતત કાર્યરત રહેશે. જ્યારે ૮ જેટલા ડોર ફ્રેમ મેટલ ટીકટર ઉપરાંત ૨૦ વોકીટોકી સેટ, ૧૦ દુરબીન સેટથી તમામ ગતિવિધિ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. ઉપરાંત સોમનાથના દરીયા કીનારે ઘોડેસવાર પોલીસ પણ વિશેષ પેટ્રોલીંગ કરશે. સોમનાથ પહોંચવાના ટ્રાફીકને ધ્યાને રાખી પ્રભાસપાટણ પોલીસનો પણ ખાસ અલગ બંદોબસ્ત પ્લાન બનાવી તૈનાત કરવાનું આયોજન કરાયેલ છે.
પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરે તૈનાત પોલીસ કે સિક્યુરિટી સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓ સાથે ગેરવર્તન થતું હોવાની અનેકવાર ફરીયાદો ઉઠે છે. જેમાં ઘણીવખત ઘર્ષણના બનાવો પણ બનેલ છે. જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય અને દર્શનાર્થીઓ સોમનાથની ખરાબ છાપ લઈને ન જાય તે માટે ખાસ આયોજન કરાયેલ હતુ. જે અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, મંદિર ખાતે ફરજ બજાવનાર તમામ સુરક્ષાકર્મીઓને દર્શનાર્થીઓ સાથે વિવેકપૂર્ણ વર્તન કરવા માટે ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે. જેમાં મંદિરે આસ્થાભેર આવતા દર્શનાર્થીઓ સાથે તોછડાઈ વાળુ નહીં પણ વિવેકપૂર્ણ વર્તન રાખી જવાબ આપવા સુચના સાથે માર્ગદર્શન આપ્યુ છે. સુરક્ષાકર્મીના ખરાબ વર્તનના કારણે સોમનાથ યાત્રાધામની ખરાબ છાપ લઈને કોઈ દર્શનાર્થી ન જાય તેની ખાસ તકેદારી રાખવા સમજાવી સૂચના આપી છે. જેથી કરીને દુર દુરથી આવતા ભાવિકો સોમનાથના સારા અનુભવો લઈને પરત ફરે તેવા તંત્રનો ધ્યેય રહેશે.