જૂનાગઢના રમણીય સ્થાન એવા વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીકેશન કયારે ?

0

જૂનાગઢવાસીઓને ચોમાસાનાં દિવસોમાં ફરવા માટે જાે સૌથી આકર્ષણનુું કેન્દ્ર હોય તો આ શહેરનાં અત્યંત રમણીય એવા વિલિંગ્ડન ડેમનું છે. આ વર્ષે શરૂઆતની સાથે જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો છે અને વિલિંગ્ડન ડેમ છલોછલ ભરાઈ ચુકયો છે ત્યારે દરરોજ પ્રવાસી જનતા આ ડેમની મુલાકાત લે છે. ખાસ ચિંતાની બાબત એ છે કે, આ ડેમની રેલીંગ સાવ જર્જરીત થઈ ગઈ છે જેને તાત્કાલીક રીપેર કરવાની માંગ ઉઠી છે. સોરઠનું પાટનગર એવા જૂનાગઢ શહેરની વાત જયારે જયારે નજર સમક્ષ આવે ત્યારે આ શહેરનું રાજકીય, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધામિર્ક સહિત અનેક ક્ષેત્રમાં ગૌરવવંતુ નામ અને ઈતિહાસમાં લેવાતુ હોય છે. પ્રવાસનની દ્રષ્ટીએ પણ જૂનાગઢ શહેર આજે ગુજરાતનું નં.૧ શહેર ગણાય છે ત્યારે આ શહેરમાં તેમજ તેની આસપાસ આવેલા ફરવાલાયક સ્થળો પણ પ્રવાસી જનતા માટે મોખરાનાં સ્થાન ઉપર છે અને વારંવાર અહીં દુર દુરથી મુલાકાતીઓ આવે છે અને ફરી આવવાનું વચન આપી પોતાના શહેર તરફ જતા હોય છે. ત્યારે જૂનાગઢ શહેરનાં ટોપ મોસ્ટ રમણીય સ્થાન અને ધામિર્કતાની દ્રષ્ટીએ ભવનાથનો સમગ્ર વિસ્તાર આવેલો છે. આ સાથે જ ગરવા ગિરનારની ગીરીકંદરાઓ, અંબાજી માતાજીનું મંદિર, ગુરૂ દતાત્રેયની ટુંક, ભવનાથ મંદિર, તેમજ જૈનોનાં ધામિર્ક સ્થળો તેમજ ઉપલા દાતાર બાપુની પાવનકારી જગ્યા સહિતનાં અનેક ધામિર્ક સ્થળો આવેલા છે જ. આ ઉપરાંત જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર કે જયાં સાંજનાં સમયે શહેરીજનો ખાસ ફરવા માટે આવતા હોય છે. નરસિંહ મહેતા સરોવરનો નજારો કંઈક અલગ જ જાેવા મળે છે અને તેને લઈને આસપાસ ખાણીપીણીનાં સ્ટોલો તેમજ નાના ધંધાર્થીઓને રોજી-રોટી મળી શકે તે પણ સારી બાબત છે. આણંદપુર વિયર ડેમ પણ જાેવા લાયક સ્થળ છે. આ ઉપરાંત જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમની પણ એકવાર મુલાકાત લીધા જેવી છે. આજે જયારે રમણીય સ્થાનો, ધામિર્ક સ્થાનોની સાથે સાથે જૂનાગઢ શહેરનાં અત્યંત રમણીય સ્થાન એવા વિલિંગ્ડન ડેમની પણ વાત કરવી છે. જૂનાગઢ શહેરમાં જે વખતે નવાબી શાસન કાળનો સુવર્ણ યુગ પ્રવર્તી રહયો હતો ત્યારે એ અરસામાં શહેરની જનતાને એક સારૂ કહી શકાય તેવું ફરવાલાયક સ્થળ મળી શકે તે માટે જે તે વખતે વિલિંગ્ડન ડેમનું નિર્માણ કરવામાં આવેલ હતું અને આ ડેમમાં પાણીનો પુરવઠો પણ સંગ્રહ કરવામાં આવતો અને પાણીના સંકટ સમયે ખૂબજ ઉપયોગી બનતો હતો. ભૂતકાળનાં સમયની યાદ તાજી થાય તેવા સંસ્મરણો અનેક રહેલા છે. શરદ પુનમનાં ચંદ્રમાની રાત્રે જૂનાગઢવાસીઓ ડેમની ખાસ મુલાકાતે જતા અને દુધ-પૌવા આરોગતા અને મોડે સુધી જનજીવન ધબકતું હતું. આવા વિલિંગ્ડન ડેમ કે જે ગીરીકંદરાઓની વચ્ચે અને કુદરતનાં અખૂટ ખજાના વચ્ચે આવેલું છે. જે તે સમયે નિર્માણ પામેલા ડેમની હાલત આજે અત્યંત જર્જરીત બની ગઈ છે. વિલિંગ્ડન ડેમનું આકર્ષણ લોકોમાં એવું છે કે, ચોમાસાના દિવસોમાં ડેમ ભરાય એટલે માનવ પ્રવાહ પોતાના પરિવાર સાથે આ ડેમની મુલાકાત લે છે. શનિ-રવિનાં દિવસો અને તહેવારો દરમ્યાન અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે. વિલિંગ્ડન ડેમની હાલ જે જર્જરીત અવસ્થા છે તેમાં ખાસ કરીને તેની રેલીંગ ગમે ત્યારે તુટી પડે તેવો ખતરો તોળાઈ રહયો છે અને નજીકનાં દિવસોમાં તાત્કાલીક રીનોવેશન અથવા રીપેરીંગ કરવામાં ન આવે તો અકસ્માતની સંભાવના રહેલી છે ત્યારે તેને તાત્કાલીક રીપેર કરવાની માંગ ઉઠી છે. વિલિંગ્ડન ડેમ ખાતે દરરોજનાં સંખ્યાબંધ લોકો ફરવા આવે છે અને ત્યાં પણ રોજગારીનું એક ક્ષેત્ર ઉભું થયું છે અને ખાણીપીણીનાં સ્ટોલો કાવા-ઉકાળા સહિતનાં ખાદ્ય પદાર્થ તેમજ પીણાઓ વેચાતા હોય છે અને સંખ્યાબંધ લોકોને રોજગારી મળી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી બાદ જૂનાગઢનાં તત્કાલીન કમિશ્નર આર. કે. પાઠકનાં સમયમાં વિલિંગ્ડન ડેમ ખાતે સહેલાણીઓ માટે બગીચાનાં રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદનાં વર્ષોમાં કોઈજ જાતની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. જૂનાગઢ શહેરનાં અને આસપાસનાં વિસ્તારનાં વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં વિલિંગ્ડન ડેમને સાચા અર્થમાં બ્યુટીફીકેશન બનાવવા માંગ ઉઠી છે.

error: Content is protected !!