જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ ભવનાથ ખાતે આવેલા સુદર્શન તળાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પ્રાપ્ત થાય તે માટે પત્ર સંબંધીત વિભાગોને પાઠવ્યો હતો. દરમ્યાન જૂનાગઢનાં પ્રજાકીય અખબાર એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા આ અખબારી અહેવાલને પૂર્ણરૂપથી ધ્યાન આપી પ્રસારીત કરવામાં આવતા જેની ગુજરાત સરકારે પણ નોંધ લીધી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલનાં પડઘા સ્વરૂપે ભાજપ અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીની રજુઆત પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી અને જે તે વિભાગને આ અંગેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ ભાજપ અગ્રણીની મુખ્યમંત્રીને રજૂઆત બાદ ગુજરાત ટુરિઝમે પુરાતત્વ વિભાગને જાણ કરી ભવનાથ મહાદેવ મંદિરની નજીક આવેલ સાંસ્કૃતિક ગ્રાઉન્ડ પાછળ ઐતિહાસિક સુદર્શન તળાવ આવેલું છે. જેને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવા માટે રજુઆત કરાઇ હતી. હવે પુરાતત્વ વિભાગ જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરશે. બાદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દરજ્જા અંગે ર્નિણય કરશે. જૂનાગઢના ભવનાથ સ્થિત સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા માટે તજવિજ હાથ ધરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ભાજપ અગ્રણી અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રભારી પ્રદિપભાઇ ખીમાણીએ ૪ જૂન ૨૦૨૨ના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે, જૂનાગઢના ભવનાથ સ્થિત સંસ્કૃતિ ગ્રાઉન્ડ પાછળના ઐતિહાસિક સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવું જાેઇએ. આ માટેના કારણો સાથેની વિગતો આપતા પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે, ગિરનારની ગોદમાંથી વહેતી સુવર્ણસિકતા(હાલની સોનરખ નદી) અને પલાશિની નદી(જે હાલ લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને આ તળાવ આવેલું છે. ચંદ્રગુપ્ત મોર્યના સૌરાષ્ટ્રના સુબા પુુષ્પગતે આ તળાવ બંધાવેલું હતું અને તેને સુદર્શન તળાવ એવું નામ આપ્યું હતું.આ પછી મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં તેના સુબા યવનરાજ તુષાસ્ફે ખેતીની સિંચાઇ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી. આ કામ એટલું મજબૂત હતું કે ૪૫૦ વર્ષ ટક્યું હતું. જાેકે, શક સવંત ૭૨ના માગશર મહિનાની વદ એકમે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતા ગિરનારમાંથી નિકળતી સુવર્ણસિકતા અને પલાશિની નદીમાં ભારે પુર આવતા તે તુટી પડ્યું હતું. બાદમાં મહાક્ષત્રપ રૂદ્રદામન સુબા પહલવ સુવિશાખે ફરી બંધ બનાવ્યો હતો(ઇ.સ. ૧૫૦માં). આ બંધ પહેલા કરતા પણ લંબાઇ અને પહોળાઇમાં ત્રણ ગણો મજબૂત બન્યો હતો. દરમ્યાન પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ સ્થાન ૧૦૦ વર્ષ કરતા જૂનું હોય તો તેનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરી શકાય છે. ત્યારે સુદર્શન તળાવ તો ઇ.સ.પૂ. ૨ સદીથી ૪ સદીમાં અલગ અલગ સમયે નિર્માણ અને પુનઃ નિર્માણ થયેલ છેે. માટે આ અંગેની દરખાસ્ત મોકલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. દરમ્યાન મારી આ રજૂઆતના સંદર્ભે ગુજરાત ટુરિઝમના પ્રોજેક્ટ મેનેજરે વડોદરા સ્થિત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ અને ગાંધીનગર સ્થિત આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમના ડિરેકટરને પત્ર દ્વારા જાણ કરી સુદર્શન તળાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા માટે નિયમાનુસાર કાર્યવાહી સત્વરે કરવા જણાવ્યું છે અને સાથે થયેલ કામગીરીની પ્રવાસનમંત્રીના અધિક અંગત સચિવ અને તમામ સલંગ્ન અધિકારીને જાણ કરવા જણાવાયું છે.