આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ, શિવાલયોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો

0

દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલા શિવાલયો તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં અનેરી રોશની, સજાવટ સાથે શિવાલયોમાં ભગવાન ભોળાનાથનો નાદ ગુંજી ઉઠશે તેવું વાતાવરણ સ્વયંભુ પ્રગટી રહ્યું છે. દેવોમાં સૌથી ભોળા અને તાત્કાલીક ભકતજનોની મનોકામના પૂર્ણ કરનાર ભગવાન શિવજીનું ભકત હ્ય્દયમાં અનેરૂ સ્થાન છે ત્યારે આવતીકાલથી શ્રાવણ માસના પ્રારંભે સતત એક માસ સુધી ભાવિકો દ્વારા શિવજીની પૂજા સહીતના કાર્યક્રમોમાં ભાગ લેવામાં આવશે. બિલી પત્રની પૂજા, દુધા અભિષેક તેમજ ષોડસોપચારથી પૂજા અને અભિષેક સહીતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને પોતાના પરીવાર તેમજ સમગ્ર વિશ્વની કામના સાથે ભગવાન શિવજીને પ્રાર્થના કરવામાં આવશે. હર હર મહાદેવ હર અને ૐ નમઃ શિવાયનો નાદ શિવાલયોમાં ગુંજી ઉઠશે.
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન શિવજીના મંદિરોમાં પૂજન-અર્ચન, આરતી, મહાપૂજા સહીતના વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહેલ છે. આવતીકાલ તા.ર૯/૭/ર૦રરના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવેલા શિવ મંદિરોમાં અનેરી સજાવટ કરવામાં આવી રહી છે અને જેને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે.
તિર્થોની નગરી એવા જૂનાગઢ નાજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્ર કે જયાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે તેવા આ પાવન કારી અને પવિત્ર ભૂમિ ઉપર સાક્ષાક ભવનાથ મહાદેવ બિરાજમાન છે. ભવનાથ મંદિરે કાયમને માટે દર્શનાર્થીઓનો જમાવડો રહે છે. આ ઉપરાંત સોમવાર તેમજ રવિવારના દિવસે પણ માનવમહેરામણ ઉમટી પડતો હોય છે. ખાસ કરીને સંધ્યા આરતી સમયે તો ભાવિકોને અલૌકીક અનુભૂતિ થતી હોય છે. ઝાલરના રણકાર અને નગારાના નાદ સાથે ભગવાન શિવજીની મહાપૂજા થતી હોય છે તે અલૌકીક દ્રશ્ય ભાવિકોના દિલમાં ઉતરી જતું હોય છે. પૂરાણ પ્રસિધ્ધ ભવનાથ મહાદેવ ખાતે વિશેષ પૂજાના આયોજન પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમ્યાન કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલા શિવજીના મંદિરોમાં પણ પૂજન-અર્ચન, આરતી સહીતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
જૂનાગઢ શહેરના તમામ પૌરાણિક અને પ્રાચીન શિવ મંદિરોને શણગાર કરવામાં આવશે. આખો માસ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે મહાઆરતી, પૂજન, અર્ચન, અને અભિષેક યોજવામાં આવશે. વિશ્વ પ્રસિધ્ધ એવા ગીરનારની ગોદમાં આવેલ ભવનાથ મંદિરે ભજન ભકિતનો સમન્વય જાેવા મળશે. દરરોજ સવા લાખ બિલ્વ પત્રથી અભિષેક કરવામાં આવશે તેમજ સવારે ૪, ૧૧ અને સાંજે ૭.૧પ કલાકે આરતી કરવામાં આવશે. રાતે ૧૦ વાગ્યે શયન આરતી અને સાંજે પ થી ૯ દરમ્યાન મહાપૂજા યોજવામાં આવશે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો શહેરમાં આવેલા ભુતનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શૃંગાર કરવામાં આવે છે. ગત વર્ષે આખો માસ દરમ્યાન દિપમાળા યોજાશે. હર સોમવારે શણગાર તેમજ સવારે પ, બપોરે ૧ર અને સાંજે ૭ઃ૩૦ કલાકે આરતી અને સવારે ૬ થી ૧૧ સુધી મહાપૂજા કરવામાં આવશે તો દામોદર કુુંડ પાસે આવેલ પ્રાચીન મુચકુંદ ગુફામાં બિરાજતા મુચકુંદ મહાદેવ મંદિરે પ૧ દિપની દિપમાળા સવારે પ, બપોરે ૧ર અને સાંજે ૭ કલાકે આરતી કરવામાં આવશે તો શહેરના બિલનાથ મંદિરે સવારે અભિષેક, હવન, યોજવામાં આવશે. સવારે ૬,૧ર અને સાંજે ૭ઃ૩૦ કલાકે આરતી કરવામાં આવશે. સોમવારે રાતે ૧૦ થી ૧ર મહાપૂજા કરવામાં આવશે. આ સાથે ઝાંઝરડા રોડ સ્થિત સિધ્ધનાથ મહાદેવ મંદિર સહીતના શિવાલયોમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવશે. આમ નાના-મોટા તમામ શિવાલયોમાં શ્રાવણ માસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!