પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક તથા પૂજન-અર્ચન કરી અને રિઝવવા માટે આજે સવારથી તમામ નાના મોટા શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ ઉપરાંત તમામ શિવ મંદિરોમાં ચાર પ્રહારની આરતી, દીપમાળાના દર્શન, ઘીની મહાપૂજા, મહાઆરતી વિગેરે દ્વારા ભોળાનાથની ભક્તિ કરવામાં આવશે. આ સાથે રૂદ્રી-લઘુરૂદ્ર યજ્ઞ જેવા ધર્મોત્સવના આયોજનો પણ થઈ રહ્યા છે. અહીંના પ્રાચીન અને પ્રખ્યાત રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ ઉપરાંત દાત્રાણા ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવ, કોટા ગામે આવેલા કોટેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ સહિતના વિવિધ શિવાલયો આજે સવારથી શિવ ભક્તોના “હર હર મહાદેવ”, “ઓમ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.