જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેર સુશોભનમાં દર વર્ષે અવલ્લ સ્થાને આવતાં હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે પણ ગંધ્રપ વાડા ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ પટાંગણમાં ભવ્ય ફલોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે શહેરના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાટકેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે તૈયાર કરાયેલા ફલોટમાં શ્રી કૃષ્ણ લીલા દર્શાવતા ફલોટમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વત્સાસુર નામક રાક્ષસના વધ તથા દ્વારકાધીશ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભવ્ય રંગોળી તેમજ શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વના સંગમ સમાન ૧૨ જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અલભ્ય શણગાર અને નયન રમ્ય લાઇટિંગ સાથે જન્માષ્ટમી પર્વની આજે સાતમના દિવસે ફલોટ ઉદ્ઘાટન સાથે શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ આવતીકાલે આઠમના દિવસે હાટકેશ યુવક મંડળ દ્વારા રાત્રે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ તેમજ કૃષ્ણ જન્મોત્સવનો અનેરો કાર્યક્રમ યોજવામાં આવશે. સાતમ-આઠમ બે દિવસ દરમ્યાન ખુલ્લા મુકાયેલા ભવ્ય ફ્લોટ નિહાળવા શહેરીજનોને હાટકેશ યુવક મંડળ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.