અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે, એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે. ‘નાગરિકો કો લખ લખ વધાઈયાં’ કહીને ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતનના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.