દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરે જન્માષ્ટમી પર્વની કૃષ્ણ સંગે ઊજવણી કરવાનું અનન્ય મહાત્મય છે. આ વખતે દ્વારકાધીશ મંદિર ખાતે રવિવાર સુધી ચાર દિવસના રજા ભર્યા માહોલમાં કુલ પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. તા.૨૧ ના રોજ દશમના રવિવાર હોવાથી એક દિવસમાં નોંધપાત્ર ૯૩,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કર્યા હતા. આમ, છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ઠેર-ઠેરથી દ્વારકા પધારેલા ભાવિકો માટે તંત્રએ સંપૂર્ણપણે સક્રિય બની, પૂરતી વ્યવસ્થા કરી હતી. જન્માષ્ટમીના દિને ખાસ કરીને પોલીસ તંત્ર માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ત્રણ મહત્વની ચેલેન્જરૂપ કામગીરી અનિવાર્ય હતી. જેમાં દ્વારકા ખાતે લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી લોકોનો સમૂહ દર્શન કરવા માટે આવ્યો હતો તેની વ્યવસ્થા, આ સાથે અહીંના જાણીતા કાના વિચાર મંચ તરફથી વિશાળ માનવ મેદની સાથેની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ દ્વારકા ખાતેની મુલાકાત મળી આ ત્રણ બંદોબસ્ત એક સાથે સંપન્ન થાય તે માટેની પરિસ્થિતિ પોલીસ તંત્ર માટે પડકારરૂપ માનવામાં આવતી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોને તમામ રીતે સહાયભૂત થવા, ગુમ થયેલા લોકોનું પરિવારજનો સાથે મિલન કરાવવા તેમજ ચોરી જેવા બનાવમાં દર્શનાર્થીઓના માલ-મિલકત શોધી આપવા સહિતની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આમ, રેકોર્ડ બ્રેક દર્શનાર્થીઓ આવવા છતાં કોઈ જાનહાની કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. કેટલાક સ્થળે ચોરીના બનાવો બનતા આવા તત્વોને ઝડપી લેવા માટે પણ પોલીસને સફળતા મળી હતી.