દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક : રાજ્યપાલ

0

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે. ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જાેડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે. રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરીને સમગ્ર દેશના ખેડૂતોને નવી પ્રેણા પુરી પાડી છે તેમ પણ રાજ્યપાલ આ તકે જણાવ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહવાન કર્યું છે. તેમના સંકલ્પને સિધ કરવા ગુજરાત રાજ્યે પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઉપાડ્યુ છે. પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જાેડવાનો આ સંકલ્પ એક વર્ષમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃધ્ધ કરવાનું ઇશ્વરીય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પુર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો. આજે આખંુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી સમયે ખાદ્યાન્નની પુર્તિ માટે હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે આજે જળ-જમીન, પર્યાવરણ દુષિત થઇ રહ્યા છે. આપણે ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી દુષિત કરી છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો રહ્યો છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ, જમીન બંજર બની ગઇ. રાસાયણિક કૃષિ અને જંતુનાશકોથી પ્રદુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણે કિસાનોની આવક સતત ઘટતી રહી છે. આજે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી સમયની માંગ છે. તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેમનો વૃદ્ધિ-વિકાસ થાય છે, જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે. તેમણે જણાવ્યું હતું કે, એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે, ગાયનું ગૌ મૂત્ર ખનીજાેનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌ મૂત્ર, બેસન, ગોળ માટીના મિશ્રણથી બનતા જીવામૃત, ઘનજીવામૃત પ્રાકૃતિક ખાતર અને કલ્ચર તરીકે કાર્ય કરે છે અને જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને ધરતીના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે. જેથી જમીન ફળદ્રુપ બને છે. તેઓએ પ્રાકૃતિક કૃષિને આશીર્વાદરૂપ ગણાવી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ પોરબંદરના આત્મા કેન્દ્ર ખાતેથી તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન કર્યું હતું. આ તકે રાજયપાલએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત મેગેઝીન ‘જગતના તાતને પ્રકૃતિનો સાદ’ સપ્ટેમ્બરના અંકનું વિમોચન કર્યું હતું. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતોએ વિવિધ અનાજાે, શાકભાજી, કઠોળની પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ રામભાઈ મોકરીયા સહિત મહેમાનો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર અશોક શર્માએ તથા આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન આત્મા પ્રોજેક્ટ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!