યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા

0

મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવે અને મતાધિકાર અંગે જાગૃત થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા મહત્ત્વના એવા શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામક અને સમગ્ર શિક્ષા સંગઠન, પ્રાથમિક શાળા નિયામક સાથે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા એમઓયુ કરવામાં આવ્યા. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વધુ સંખ્યામાં યુવાનોની સહભાગિતા વધે અને મહત્તમ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન નિયામક કચેરીઓ દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં આવશે. જે સંદર્ભે શાળા નિયામક શાલિની દુહાન, ટેકનિકલ શિક્ષણ નિયામક જી.ટી.પંડ્યા તથા સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. રતનકુંવર ગઢવીચારણ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના મતદારોની નોધણી વધે તે માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તે માટે વિવિધ સરકારી/બિન સરકારી વિભાગો સંગઠનોમાં કાર્યરત માનવબળની સેવાનો લાભ લેવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવી રહ્યા છે. જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે અને તે થકી સમાજના વિવિધ વર્ગના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે પણ મતદારોની સહભાગીતા વધારવા માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!