કેશોદમાં માત્ર શહેરી વિસ્તારમાં પચ્ચાસથી વધુ ગૌવંશના મોત !

0

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી પશુ ચિકિત્સકો પાસે લમ્પી વાયરસ રસીકરણ ઉપલબ્ધ ન હતું ત્યારે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં કેશોદ શહેરમાં રખડતા ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગ જાેવા મળી રહ્યો છે. જે ઝડપથી ફેલાઈ પણ રહ્યો છે અને ગૌવંશના મોતનો સીલસીલો ચાલુ હોય, માત્ર શહેરી વિસ્તારમાં જ દરરોજ પાંચથી વધુ ગૌવંશના મોત થતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં પચ્ચાસથી પણ વધુ ગૌવંશ મોતને ભેટયા હોવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. એનો મતલબ એવો પણ માનવો રહ્યો કે, લમ્પી વાયરસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કેશોદમાં રખડતા ગૌવંશોને લમ્પી રસીકરણ થયું નહી હોય, જાે અગાઉ તમામ ગૌવંશોને રસીકરણ થયું હોત તો કદાચ મોટાભાગના ગૌવંશ મોતને ભેટતા બચી શક્યા હોત. જાે શહેરી વિસ્તારમાં જ પચ્ચાસથી વધુ ગૌવંશના મોત થયા હશે તો તાલુકાભરમાં ગોવંશના મોતનો આંકડો કેટલો હશે ? એ વિચારથી જ હૃદય કંપી ઉઠે છે. થોડા દિવસો પહેલા સરકારી પશુ ચિકિત્સકો પાસે લમ્પી વાયરસ રસીકરણ ઉપલબ્ધ ન હતું ત્યારે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા ઘરે-ઘરે જઈને પશુઓને રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. તેવા સમયે ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા પશુઓને રસીકરણની નજીવી ફિ લેવામાં આવી હતી અને તેમાંથી પણ જે આવક થઈ હતી તે તમામ આવકમાંથી મોટા ભાગના ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા અનેક ગૌશાળાઓ અને ગામોમાં રખડતા ભટકતા ગૌવંશોને વિનામૂલ્યે રસીકરણ કામગીરી હાથ ધરી ગૌવંશ પ્રત્યે માનવતા દાખવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી પશુ ચિકિત્સકો દ્વારા ગૌશાળાઓ અને રખડતા ગૌવંશોને મોટેભાગે રસીકરણ કરવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશના મોતનો આંકડો નહીવત હોવાનું મનાઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં હાલ ગૌવંશના મોતનો સીલસીલો યથાવત છે. જે મૃતક ગૌવંશને રહેણાંક વિસ્તારોથી દુર અલગ અલગ ખાડાઓ કરી અંતિમ વિધી કરવામાં આવે જેથી અન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય તેવું આયોજન કરવામાં તે જરૂરી છે. કેશોદ શહેરી વિસ્તારમાં લમ્પી વાયરસના કારણે ગૌવંશના મોતનો સીલસીલો હોય ત્યારે બાકી રહેતા તમામ ગૌવંશને તાત્કાલિક લમ્પી રસીકરણ કરવામાં આવે તો કદાચ હજુ ગૌવંશને મોતના મુખમાંથી બચાવવામાં સફળતા મળી રહે. ત્યારે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જાેવાનું રહ્યું પણ હાલ ગૌવંશના મોતથી ગૌપ્રેમીઓમાં દુઃખની લાગણી વ્યાપી છે.

error: Content is protected !!