વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા-જતા દેશ-વિદેશનાં યાત્રીકો-પ્રવાસીઓની સુવિધા માટે સોમનાથ મંદિરનું રેલ્વે સ્ટેશન નવા કાયાકલ્પ સાથે રી-બીલ્ટ કરાનાર હોય તા. ૧ સપ્ટેમ્બરથી ટ્રેનોની અવર-જવર સંપૂર્ણ બંધ થઈ જશે. સોમનાથનાં અગ્રણી રાજુભાઈ કાનાબારનાં સક્રિય પ્રયાસો અને રેલ્વે તંત્રની ન્યાયીક જાગૃતતાનાં કારણે સોમનાથ મંદિર પાસે જ આવેલ રેલ્વે ટીકીટ રીઝર્વેશન કાઉન્ટર કે જે છેલ્લા બે વર્ષથી કોરોનાના નામે બંધ હતું જે તા. ૧ સપ્ટેમ્બરથી ફરી ધમધમતું થશે. લોકલાગણી તો એવી છે કે રેલ્વેનાં સોમનાથ મંદિરનાં એ કાઉન્ટર ઉપરથી ચાલુ ઉપડતી ટ્રેનોનું બે કલાક અગાઉ ચાલુ ટીકીટ પણ મળી રહે તેવી જાેગવાઈ તાકીદે કરવી જરૂરી છે. આ ઉપરાંત ફકત શ્રાવણ માસ પુરતી એસટીએ ચાલુ કરેલ ઈલેકટ્રીક બસ જે હવે સોમનાથનો ટ્રેન વ્યવહાર બંધ થતાં રેલ્વે સ્ટેશનનાં રૂટ સાથે સાંકળી બારે માસ ચાલુ રાખો. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર અને એસટીએ વેરાવળ રેલ્વે સ્ટેશને આવતી-જતી ટ્રેનો સમયે સોમનાથ સુધીનાં સ્ટોપવાળી બસો તાકીદે ચાલુ કરવી જાેઈએ. જીલ્લા સાંસદ, ધારાસભ્યોએ આ પ્રશ્ન ફરીયાદ સંકલન સમીતીમાં ઉઠાવી પ્રજાને ઉપયોગી રજુઆત કરવી જરૂરી છે.