કેશોદમાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી લોક દરબાર યોજી કામગીરી બતાવતું પોલીસ તંત્ર

0

કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત આગેવાનો જુદા-જુદા વેપારી, સંગઠનના પ્રમુખો, રાજકીય-સામાજીક આગેવાનો, શહેરીજનો સહિત અસંખ્ય લોકોને લોક દરબારમાં આમંત્રિત કરવામાં આવતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રજુઆત કરતા હતા. તે સમયે એટલી રજુઆત આવતી કે લોક દરબારમાં સમય ઘટતો. જેમાં થયેલ રજુઆતોને પરીપુર્ણ ન થતાં ધીમે-ધીમે લોકોને આમંત્રણ આપવાનું ઓછું કરી હાલમાં વ્હાલા દવલાની નીતિ અપનાવી લોક દરબારમાં પસંદગીના લોકોને જ બોલાવવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં બસ બે ચાર પ્રશ્નોની રજુઆત કરી તે બાબતે થોડીઘણી ચર્ચા કરી નકકર કામગીરી કરવાનું આશ્વાસન આપી લોક દરબાર સમેટી લેવામાં આવે છે. કેશોદમાં શું વર્ષો પહેલા પ્રશ્નો હતા તે હલ થઈ ગયા છે ? શું હાલમાં કોઈ સમસ્યા નથી ? વધુ સમસ્યાની રજુઆત કરનાર લોકોને આમંત્રણ આપવામાં આવતું નથી ? એવા અનેક સવાલો શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યા છે. કેશોદ શહેરમાં વર્ષોથી દારૂ-જુગાર, આવારા તત્વો, ટ્રાફિકની સમસ્યા, પોલીસ સ્ટાફ અછત સહિતના પ્રશ્નોની વર્ષોથી રજુઆત થાય છે. જે પ્રશ્નો ખરેખર હલ થયા છે ? કેશોદમાં શરદ ચોકમાં લોક ભાગીદારીથી પોલીસ ચોકીનું નિર્માણ થયું છે છતાં પોલીસ સ્ટેશન શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. બાલાગામ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલ છે છતાં ત્યાં કોઈ રેગ્યુલર સ્ટાફ કે પોલીસ કર્મી ફાળવવામાં આવેલ નથી. છેલ્લા એકાદ વર્ષથી સ્ટાફમાં પણ વધારો થયો છે છતાં પોલીસની કોઈ નક્કર કામગીરી જાેવા મળતી નથી. કેશોદ શહેરમાં દેશી દારૂના હાટડા, વિદેશી દારૂનું વેંચાણ ફુલી ફાલી રહ્યું છે છતાં પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગાવવામાં આવતું નથી. ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવતી નથી, ટીઆરબી જવાનો દ્વારા કોઈપણ સરકારી પોલીસ વાનમાં મોટાભાગે ડ્રાઇવીંગ કરતા જાેવા મળે છે ત્યારે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ? તેમજ નાઈટ પેટ્રોલીંગમાં પણ અનેક પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતાં નથી તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે લોક દરબાર અને સ્થાનિક પોલીસ દ્વારા શાંતી સમિતિની બેઠક બોલાવવામાં આવે છે તેમાં પણ લાગતા-વળગતા લોકોને જ બોલાવવામાં આવે છે એનું કારણ શું ? એ બાબતે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

error: Content is protected !!