ભેંસાણ તાલુકાનાં નવા વાઘણીયા ગામે માતાનું ૪૦મું કરવાનાં મુદ્દે ભાઈનાં હાથે ભાઈની હત્યા

0

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં નવા વાઘણીયા ગામે બનેલા એક બનાવમાં માતાનાં ૪૦મું કરવાનાં મુદ્દે મામલો બિચકતા ભાઈનાં હાથે ભાઈની હત્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, નવા વાઘણીયા ગામનાં ઈમરાનભાઈ કાળુભાઈ સીપાઈ (ઉ.વ.ર૪)એ જમાલભાઈ બચુભાઈ સીપાઈ, ઈબ્રાહીમ જમાલભાઈ સીપાઈ, રીઝવાન જમાલભાઈ સીપાઈ, અમીનભાઈ જમાલભાઈ સીપાઈ રહે. નવા વાઘણીયા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં મૃતક કાળુભાઈ તથા આરોપીઓ સગાભાઈ તથા ભત્રીજાઓ થતા હોય અને મૃતકનાં તથા આરોપી નં.૧નાં માતાનું મૃત્યું થયેલ હોય અને તેનું ૪૦મું કરવાનું હોય જેથી બધા ભેગા થયેલ હોય, આ દરમ્યાન આરોપી જમાલભાઈ બચુભાઈએ કહેલ કે, તમો મને બધા પૈસા ભેગા કરી આપી દો હું મારી રીતે ૪૦મું કરી નાખીશ, જેથી મૃતકે કહેલ કે, તમો એકલા કહો તેમ ના ચાલે, બધા ભાઈઓ કહે તેમ થાય, તેમ કહેતા આ કામનાં આરોપી નં.૧ ઉશ્કેરાઈ જઈ અને બોલાચાલી અને ઝઘડો કરેલ. આરોપીઓએ એક સંપ કરી લોખંડનાં પાઈપ તથા લાકડીઓ લઈ આવી અને આરોપી નં.૧નાંએ મૃતક કાળુભાઈને માથામાં લાકડીનો ઘા મારી તથા આરોપી નં.ર, ૩ અને ૪એ લાકડી તથા પાઈપ વડે આડેધડ માર મારી અને એકબીજાને મદદગારી કરી અને મૃતકને ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નીપજાયું છે. જે અંગેની ફરિયાદનાં આધારે આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી અને વધુ તપાસ પીએસઆઈ કે.એમ. ગઢવી ચલાવી રહ્યા છે.

error: Content is protected !!