વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશોત્સવ નિમિત્તે આજે ખંભાળિયામાં ભક્તિભાવ પૂર્વક ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સવારે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ સ્થાપનાના કાર્યક્રમો ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. વાજતે-ગાજતે ગણેશજીને સ્થાપિત કરાવી સવારે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાઓ- બાળકોએ ભગવાન ગણેશને આવકારી, ભવ્ય રીતે ઉજવણીમાં સહભાગી બન્યા હતા. અહીંના રામનાથ સોસાયટી, જલારામ ચોક- લોહાણા મહાજન વાડી, સતવારા વાડ શ્રી રામ મંદિર, નવાપરા, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારોમાં ભાવભરી રીતે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તાની નાની તથા મોટી પ્રતિમાઓ સાથે ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને નવ દિવસ સ્થાપિત કરી દરરોજ અનેકવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા છે. અત્રે જુની લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા ગણેશોત્સવમાં આજરોજ શ્રીનાથજીની ઝાખી તથા આવતીકાલે ગુરુવારે અન્નકૂટ ઉત્સવના દર્શન યોજવામાં આવ્યા છે.