જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરવાળે મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે એમડીની મિટિંગમાં શહેર, તાલુકાના અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું. એમડી દ્વારા મોટાભાગના પ્રશ્નોના નિવારણની ખાતરી આપવામાં આવી હતી. આ મિટિંગમાં માંગરોળ પીજીવીસીએલમા ચાલતી પોલમપોની છડેચોક ફજેતી થવા લાગી હતી. શહેરમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં વિજ પ્રવાહ ખોરવાઈ જવો, હલ્કી કામગીરીના કારણે ગમે ત્યારે વિજ ફોલ્ટ સર્જાવા, હેલ્પલાઈન ઉપર ફોન રીસીવ ના કરવા, ગ્રાહકો સાથે ગેરવર્તન, નવા કનેકશન આપવામાં કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ દ્વારા ચાલતી તોડબાજી વગેરે મુદ્દાઓ ઉપર ભારે હંગામો થયો હતો. ખેડૂતોને કનેક્શન આપવા વાંધા વચકા નિકાળી ધરાર ખેડૂતોના ખર્ચે હજારો રૂપિયાના એબીસી કેબલ નખાવી તોડબાજી આચરી હોવાના આક્ષેપો થયા હતા અને આ બાબતે ખેડૂતો દ્વારા આપેલ નાણાનો ચેક ઉપર રજુ કરવામાં આવેલ. એવીજ રીતે ચોમાસામાં ઓજી વિસ્તારમાં ત્રણ ત્રણ દિવસ સુધી અંધારપટ રહ્યો હોવાનું મુદ્દો પણ ગરમાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂન ઝાલાની રજુઆતને અવગણતા પાલિકા પ્રમુખ મો.હુસેન ઝાલા ઉગ્ર થઈ ગયા હતા અને રીતસરનો એમડીનો ઉઘડો લિધો હતો. પીજીવીસીએલ બાબતે શહેરના ૧૩ જેટલા પ્રશ્નો માટે શહેર કોંગ્રેસ પ્રમુખ હારૂન જેઠવા અને પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલાએ રજુઆત કરી હતી. તાલુકા પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, આમ આદમી પાર્ટનીના રામજી ચુડાસમાએ તાલુકાના અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જ્યારે બાલુભાઈ કોડીયાતર, દાનભાઈ ખાંભલા, રવિભાઈ નંદાણીયા સહીતનાઓએ વીજ ધાંધિયા અને નવા કનેકશન બાબતે પૈસાની થતી તોડ તેમજ હેલ્પલાઈન ઉપર ફોન ના ઉપડવાની ફરીયાદો ઉઠાવી હતી. જ્યારે શહેરી વિસ્તારમાં અને સ્થાનિક ઓજી વિસ્તારના લોકોને સીટી કનેક્શન ના મળતા ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા ગ્રાહકો પાસે કટકી લેવાની ફરિયાદ કરી હતી. અંતે એમડી વરૂણકુમારે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ડાયરેક્ટ હેલ્પલાઇન નંબર ૧૯૧૨૨ ઉપર ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આ મીટીંગમાં એમડી બેરળવાલ, એ.સી.કોડીયાતર, સહીતના પીજીવીસીએલના અધીકારીઓ હાજર રહ્યા હતા.