દેવભૂમિમાં મેઘરાજાની રાત્રીરોન : ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે સવા ઇંચ વરસાદ ખાબક્યો

0

સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં હળવો તથા ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા અને મુકામ રહ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે એકાદ કલાકમાં ધોધમાર સવા ઈંચ જેટલો વરસાદ જવા પામ્યો હતો. ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં બફારા અને ગરમીભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાથી મેઘરાજાના મંડાણ થયા હતા અને વીજળીના ભયાવહ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે સતત એકાદ કલાક સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતા ૩૨ મિલીમીટર વરસાદ વરસી ગયો હતો. ગતરાત્રિના જાણે ઘેરો અષાઢી માહોલ સર્જાયો હોય તેમ વીજળીના કડાકાથી લોકો ભયભીત બની ગયા હતા. વાઝડી જેવા આ વરસાદના કારણે શહેરમાં લાંબો સમય પુરવઠો ખોરવાઈ જતા ગરમીમાં લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જાે કે, ત્યારબાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને આજે સવારે પણ ઉઘાડ સાથે સૂર્યનારાયણના દર્શન થયા હતા. ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ હોવાના વાવડ છે. આ વરસાદ ખેતર તથા પાક માટે ફાયદારૂપ માનવામાં આવે છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા ૪૫ ઈંચ વરસી જવા પામ્યો છે. આ સાથે દ્વારકા તાલુકામાં પણ ગતરાત્રિના બારેક વાગ્યાથી ભારે ઝાપટાં રૂપે અડધો ઈંચ(૧૨ મિલીમીટર) પાણી વરસી ગયું હતું. આથી દ્વારકા તાલુકાનો કુલ વરસાદ ૩૦ ઈંચથી વધુ નોંધાયો છે. આ ઉપરાંત ગતરાત્રિના કલ્યાણપુર તાલુકામાં છ મિલીમીટર અને ભાણવડ તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૪૦ ટકા, દ્વારકા તાલુકાનો ૧૪૩ ટકા, કલ્યાણપુર તાલુકાનો ૯૦ ટકા અને ભાણવડ તાલુકાનો ૭૩ ટકા નોંધાયો છે.

error: Content is protected !!