દ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા

0

દેવભૂમિ દ્વારકા પંથકમાં શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ(બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં શનિવારે સાંજે ગોમતીઘાટ નજીક પંચકુઈ ખાતે વધુ એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં મુંબઈના એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યું નીપજ્યાનો બનાવ બન્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ મુંબઈ – મહારાષ્ટ્રના ૩૧ જેટલા યુવાનો વિગેરેના હરે રામ હરે કૃષ્ણનું ગ્રુપ દ્વારકા ખાતે ફરવા આવ્યું હતું. જે પૈકી પાંચ જેટલા યુવાનો શનિવારે સાંજે આશરે છ વાગ્યે પંચકૂઈ વિસ્તારમાં દરિયામાં નહાવા માટે ઉતાર્યા હતા. દરિયામાં ઉતરેલા આ યુવાનો શનિવારે ભાદરવી પૂનમના રોજ દરિયામાં કરંટ હોવાથી ડૂબવા લાગતા આ બાબતે દ્વારકાના ફાયર સ્ટાફ તથા ઇમરજન્સી ૧૦૮નો સંપર્ક કરવામાં આવતા આ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. દરિયાના પાણીમાં ઉતર્યા બાદ એક યુવાન યેનકેન પ્રકારે તરીને દરિયાકાંઠે પહોંચવામાં સફળ થયો હતો અને અન્ય ત્રણ યુવાનોને ફાયર ટીમે બોટ મારફતે ઉગારી લીધા હતા. પરંતુ આ ગ્રુપમાં આવેલો મુંબઈના ઇસ્કોન મંદિર ખાતે રહેતા અને મૂળ તમિલનાડુ રાજ્યના વતની એવા હરીશભાઈ રાઘવેન્દ્ર જગદીશન નામનો ૨૦ વર્ષનો યુવાન ડૂબી જતા તેનો મૃતદેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાન સાથે આવેલા મહારાષ્ટ્રના પુના ખાતે રહેતા તુલસી વસંતભાઈ રાયડુ (ઉ.વ.૩૯)એ દ્વારકા પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુંના આ બનાવે યાત્રિકો તથા મૃતકના પરિવારમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

error: Content is protected !!