દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ બાદ ઉઘાડ નીકળતા રાહત

0

કલ્યાણપુર પંથકમાં ગુરૂવારે અઢી ઇંચ વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી દરરોજ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ઉઘાડ નીકળ્યો છે. કલ્યાણપુર પંથકમાં ગઈકાલે ધોધમાર અઢી ઈંચ(૬૨ મિલીમીટર) વરસાદ નોંધાયો છે. આ સાથે કલ્યાણપુર તાલુકાનો કુલ વરસાદ ૪૧ ઈંચ (૧૦૧૭ મિલીમીટર) સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં પણ ગઈકાલે ગુરૂવારે વધુ સવા ઈંચ (૩૧ મિલીમીટર) વરસાદ વરસી ગયો છે. ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ આશરે ૫૩ ઈંચ (૧૩૧૯ મિલીમીટર) નોંધાયો છે. આ સાથે દ્વારકા તાલુકામાં પણ એક ઈંચ (૨૨ મિલીમીટર) સાથે કુલ વરસાદ ૩૪ ઈંચ (૮૬૦ મિલીમીટર) અને ભાણવડ તાલુકામાં ગઈકાલે ૧૯ મિલીમીટર સાથે કુલ વરસાદ ૨૭ ઈંચ (૬૭૪ મિલીમીટર) નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૩૩ ટકા વરસ્યો છે. ગઈકાલે બપોર બાદ મેઘ વિરામ વચ્ચે આજે સવારથી ઉઘાડ સાથે સૂર્યનારાયણના દર્શન થતાં ખાસ કરીને ધરતીપુત્રો સાથે નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહની વરસાદી હેલીથી ખંભાળિયા સહિત જિલ્લાના તમામ નાના-મોટા જળસ્ત્રોતો છલકાઈ ગયા છે.

error: Content is protected !!