જૂનાગઢ શહેરમાં મહિલાનાં અકસ્માતથી મોતનાં બનાવનું રહસ્ય ખુલ્યું : હત્યા થયાનો ઘટસ્ફોટ

0

જૂનાગઢ શહેરમાં તાજેતરમાં જ એક મહિલાનું ઈકો કાર હડફેટે મૃત્યું થયું હતું જે કેસમાં પોલીસે અકસ્માતમાં મોત થયાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસનાં અંતે આ મામલો હત્યાનો હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન જૂનાગઢ પોલીસે આ બનાવનો ભેદ ખોલવા ભારે જહેમત ઉઠાવી આખરે મહિલાનું મૃત્યું અકસ્માતથી નહી પરંતુ હત્યા થયાનું બહાર આવ્યું હતું અને આ બનાવનાં અનુસંધાને હત્યા કરીને નાસી ગયેલા શખ્સને પોલીસે ઉના ખાતેથી ઝડપી લઈ તેના વિરૂધ્ધ ખુનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં તાજેતરમાં બનેલા એક બનાવમાં સુખનાથ ચોકથી ઝાલોરાપા રોડ ઉપર અલ્ફેઝ ગલી પાસે અજાણ્યા ફોરવ્હીલનાં ચાલકે મૃત્યુ પામનાર હસીનાબેન (ઉ.વ.પ૦) નામની મહિલાને ઠોકર મારી હડફેટે લઈ તેની ઉપર ઈકો ફોરવ્હીલ ચલાવી શરીરે ગંભીર ઈજા કરી અને મોત નીપજાવી નાસી ગયાનો બનાવ બનવા પામેલ, મૃતકને માથાનાં પાછળનાં ભાગે અને નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ-ર૭૯, ૩૦૪ (અ) તથા એમવી એકટ કલમ-૧૭૭, ૧૩૪, ૧૮૪ મુજબનો ગુનો દાખલ થયો હતો. આ દરમ્યાન જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડીયા તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ બનાવનાં આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા ડીવીઝન હેઠળનાં પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને સુચના આપી હતી જે અંતર્ગત જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તેમજ બાતમીદારો તથા બનાવ સ્થળ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજનાં આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. આ દરમ્યાન નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલનાં બનાવનાં સ્થળ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં બનાવનાં સમય દરમ્યાન એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની ઈકો કાર કાળા કાચવાળી મૃતક મહિલાનો પીછો કરતી હોવાનું અને જાણી જાેઈને આ મહિલા ઉપર ઈકો કાર ચડાવી અને તેનું મોત નિપજાવી નાસી ગયા હોવાનું સીસીટીવીમાં જાેવામાં આવ્યું હતું જેથી આ દિશામાં તપાસ જારી કરી હતી. આ દરમ્યાન ઈકો કાર અંગે તપાસ કરતા બનાવમાં સંડોવાયેલ ઈકો કાર આદિલખાન હનીફખાન પઠાણ રહે. જૂનાગઢ રથખાના મસ્જીદ, ગુરૂનાનક શેરીવાળાની હોવાનું જાણવા મળતા તુરત જ આ શખ્સની તપાસ કરી હતી અને ખાનગી રીતે જાણવા મળેલ કે આદિલ પઠાણ હાલ ઉના મુકામે તેના માસી રોશનબેન પઠાણનાં ઘરે હોવાનું જાણવા મળતા તાત્કાલીક પોલીસ ટુકડી ઉના પહોંચી હતી અને ઉના પટેલ ગેસ્ટ હાઉસ પાછળ બીગ કોલોની એજન્સીનાં ગોડાઉનેથી આદિલખાન મળી આવતા તેને રાઉન્ડઅપ કરી ક્રાઈમ બ્રાંચની કચેરીએ લાવેલ અને પોલીસની ઉંડાણપૂર્વકની પુછપરછમાં આરોપી આદિલખાન ભાંગી પડયો હતો અને પોલીસને હકીકત જણાવી હતી કે પોતાને આડા સંબંધ હોય જે બાબતે આ કામનાં મરણ જનારને ખ્યાલ આવી જતાં તે બધાને જાણ કરી દેેશે તો બંનેની બદનામી થશે જે બાબતનો ખાર રાખી મૃતકને પોતાની ઇકો કારથી મારી નાખવાનાં ઈરાદે હડફેટે લઈ તેના ઉપર ઈકો કાર ચડાવી દઈ મોત નિપજાવ્યું હોવાની હકીકત જણાવતા આ શખ્સને વધુ તપાસ માટે એ ડીવીઝનને સોંપી આપવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં એચ.આઈ. ભાટી તથા એન.એ. શાહ, ઈન્ચાર્જ પીઆઈ, એ ડીવીઝન પોલીસ તથા પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલે એક પત્રકાર પરીષદ યોજી આ હત્યા કેસનાં બનાવ અંગેની વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આવી હતી.

error: Content is protected !!