ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારોને રાજ્ય સરકારે આપી દિવાળીની ભેટ
રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ મહત્વપુર્ણ બે ર્નિણયો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધા છે. જેમાં સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા મૂલ્ય વર્ધિત વેરા(વેટ) ઘટાડવાનો ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ ર્નિણયથી સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂા.૬ થી ૭ તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે રૂા.૫ થી ૫.૫૦નો ઘટાડો થશે. તે ઉપરાંતપ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમ્યાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવા અંગે પણ મહત્વપૂર્ણ ર્નિણય રાજ્યની નિર્ણાયક સરકારે લીધો છે. આ બંને અતિ મહત્વપુર્ણ ર્નિણયોને આવકારી રાજ્યના નાગરિકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા છે.