જૂનાગઢને પ્રવાસન કાર્યોની ભેટ આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સોરઠ બન્યું મોદીમય

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જૂનાગઢથી રૂા.૪૧૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનો પ્રારંભ કરાવી રહ્યા છે ત્યારે સમગ્ર સોરઠમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ઉત્સાહ અને ઉમંગ છે. ગીર અને ગિરનાર, સોમનાથ તેમજ પોરબંદર-માધવપુર સમગ્ર સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ નવી ઊંચાઈ આપવા તેઓએ મુખ્યમંત્રી હતા તે દરમ્યાન દુરંદેશી પ્રયાસો કર્યાં હતા. આજે તે પરિણામ સ્વરૂપ સાકાર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે છેલ્લે ૨૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ જૂનાગઢમાં આવ્યા હતા અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના નવા ભવન અને મેડિકલ કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૨માં તા.૧૪ ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આ ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આજ રીતે હવે તેઓની આ મુલાકાતમાં પોરબંદર જિલ્લાને નવી મેડિકલ કોલેજ મળવા જઈ રહી છે. વડાપ્રધાનને સોરઠ પ્રદેશ પ્રત્યે વિશેષ આદર છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જૂનાગઢ અને કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે આખી યોજના અમલમાં મૂકી હતી અને વર્ષ ૨૦૦૬ને પ્રવાસન વર્ષ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેના મૂળમાં જૂનાગઢ અને કચ્છ જિલ્લાના પ્રવાસન વિકાસની પીઠિકા હતી. સોરઠના પ્રવાસન સ્થળો વધુને વધુ વિકસે અને યાત્રાળુઓને સુવિધા મળે દેશ દુનિયાના પ્રવાસીઓ જૂનાગઢ, પોરબંદર જિલ્લાના માધવપુર તેમજ ગીર-સોમનાથમાં સોમનાથ મહાદેવ તેમજ ગીરના પ્રવાસન સ્થળોએ આવે ત્યારે સ્થાનિક વિસ્તારનો વિકાસ થાય તેમને માળખાગત સુવિધા મળે અને રોજગારીનું સર્જન થાય અને ખાસ કરીને સ્થાનિક યુવાનોને નવી નવી તકો મળે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર દ્વારા વ્યાપક કાર્યો કરવામાં આવ્યા છે. ગિરનાર રોપ-વેને ૩૦-૩૫ વર્ષથી ગ્રહણ લાગ્યું હતું. અનેક પ્રકારની અડચણ અને મુશ્કેલીને લીધે લોકોએ ગિરનાર રોપ-વે બનશે તેવી આશા છોડી દીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૭માં જૂનાગઢમાં ગુજરાત સ્થાપના દિન ઉજવણી દરમ્યાન રોપ-વેનું ખાતમુહૂર્ત કર્યુ હતું. પરંતુ જરૂરી ક્લીયરન્સ નહીં આવતા પ્રોજેક્ટ અટવાયેલો પડ્યો હતો. વડાપ્રધાન બનતા જ નરેન્દ્ર મોદીએ ગિરનાર રોપવે કાર્યરત થાય તે માટે પ્રયાસો હાથ ધરી રાજ્ય સરકારના સંકલનમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વડાપ્રધાનના હસ્તે ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ પ્રવાસીઓએ રોપ-વેની સફર કરી છે. ગિરનાર ઉપર બિરાજતા મા અંબાના દર્શન કર્યા છે.

error: Content is protected !!