કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાંથી ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા રૂા.ર૮.પ૦ લાખનાં ઇંગ્લીશ દારૂ સાથે રાજસ્થાનનાં બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર તરીકે બનાસકાંઠાનાં શેરપુર ગામનાં યોગેશ રઘાભાઈ જયેશવાલનું નામ ખુલ્યું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, સોંદરડા ગામે જીઆઈડીસીમાં સર્વે નં-૧રપ/૧ પૈકી પ્લોટ નં-૧માં બનાવવામાં આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવેલ હતો અને દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પીએસઆઈ કે.બી. તરારએ પોલીસમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ચોક્કસ બાતમીનાં આધારે સોંદરડા ખાતેનાં ગોડાઉનમાં દરોડો પાડવામાં આવેલ અને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કાચની બોટલો જુદી-જુદી બ્રાન્ડનો કુલ નંગ-૬૭૯૬ કુલ કિંમત રૂા.ર૮,પ૦,૯૪પ તથા મોબાઈલ નંગ-ર કિંમત રૂા.પ,પ૦૦ તથા વાહન નંગ-૩ કિંમત રૂા.૧ર,૩૦,૦૦૦ તથા ગાડીઓનાં કાગળોની નકલો તથા ભાડા કરારની નકલોનાં કાગળો વિગેરે મળી કુલ રૂા.૪૧,૪૬,૩૪પનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ દરોડા દરમ્યાન સોગારામ રતનારામ બિશ્નોઈ તથા મનોહરલાલ ચુનીલાલ બિશ્નોઈ ઝડપાય ગયા હતા. જયારે ૬ આરોપીઓ નાશી છુટયા હતા. આ ઉપરાંત દારૂનો જથ્થો ઉતારવા આવેલા ૩ શખ્સો પણ નાશી છુટયા હતા. પોલીસે સોગારામ બિશ્નોઈ, મનોહરલાલ, યોગેશભાઈ રગાભાઈ જયેશવાલ તથા અન્ય આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ કેશોદનાં પીઆઈ બી.બી. કોળી ચલાવી રહ્યા છે.