દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને ડી.વાય.એસ.પી.ની બદલી : મહીસાગરના હાર્દિક પ્રજાપતિ તથા ગીર-સોમનાથના પરમારને દ્વારકા જિલ્લામાં મુકાયા

0

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૭૬ જેટલા ડીવાયએસપી તથા સમકક્ષ દરજ્જાના અધિકારીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ફરજ બજાવતા બંને ડીવાયએસપીને બદલવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પી.આઈ. તરીકેની નોંધપાત્ર કામગીરી બાદ બદલી પામીને પૂર્નઃ જિલ્લામાં મુકાયેલા ડીવાયએસપી સમીર સારડા કે જેઓને દ્વારકાધીશ મંદિર ઉપરાંત હેડ ક્વાર્ટર અને એસ.સી.એસ.ટી. સેલ વિભાગની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી, તેમની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા આશરે બે વર્ષના ફરજકાળ દરમ્યાન સમીર સારડા દ્વારા દ્વારકાધીશ મંદિરની ટકોરાબંધ સુરક્ષા વ્યવસ્થા સાથે હોળી-ધુળેટી સહિતના તહેવારોમાં નોંધપાત્ર કામગીરી બાદ હાલ બેટ દ્વારકા ખાતે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડેમોલિશનમાં દાખલા રૂપ અને નોંધપાત્ર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જે આમ જનતા માટે મહત્વની અને યાદગીરી રૂપ સાબિત થઈ છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે અઢી વર્ષથી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હિરેન ચૌધરી દ્વારા કોરોના કાળ સાથે જિલ્લામાં નોંધપાત્ર માત્રામાં ઝડપાયેલા ડ્રગ્સ, બેટ દ્વારકાની દબાણ હટાવ ઝુંબેશ સહિતના વિવિધ પ્રકરણમાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીવાયએસપી તરીકે મહીસાગરથી હાર્દિક પ્રજાપતિ તથા ગીર-સોમનાથથી એમ.એમ. પરમારને અત્રે મૂકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના હેડ ક્વાર્ટર ડીવાયએસપી તરીકે ફરજ બજાતા નીલમ ગોસ્વામીની થોડા સમય પૂર્વે પોરબંદર ખાતે થયેલી બદલી બાદ હાલ જિલ્લામાં ત્રણના બદલે બે ડીવાયએસપી ફરજ બજાવી રહ્યા છે.

error: Content is protected !!