ખંભાળિયાના ભાડથર ગામે જેસીબીમાં આગના બનાવથી ભારે ચકચાર

0

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગઈકાલે રાત્રે એક જેસીબી મશીનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એક પેટ્રોલ પંપથી થોડે દૂર પાર્ક કરીને રાખવામાં આવેલા જેસીબી મશીનમાં ગઈકાલે રાત્રે આશરે ૯ વાગ્યે એકાએક આગ ભભુકી ઉઠી હતી. આ આગના કારણે થોડી વારમાં જે.સી.બી. બળીને ખાખ થઈ ગયું હતું. આ આગનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગનો આ બનાવ બનતા ફાયર સ્ટાફ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પૂર્વે ભાડથર ગામે કેબીન રાખવા બાબતે થયેલી બબાલ તેમજ જેસીબી મશીન વડે કેબીન દૂર કરવાના બનાવ તથા ફાયરિંગના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી ભાડથર ગામે મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે ગતરાત્રિના જેસીબી મશીન સળગવાના આ બનાવે પૂર્નઃ ભારે ચર્ચા સાથે તંત્રમાં દોડધામ પ્રસરાવી દીધી હતી.

error: Content is protected !!