જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો : દામોદર કુંડમાંથી યુવકની અને વીલીંગ્ડન ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

0

જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરનાં ગિરનાર રોડ સ્થિત દામોદર કુંડ નજીકથી પીંડ કુંડનાં પાણીમાં ડુબી જવાને કારણે એક યુવકનું મૃત્યું થયું છે. જયારે વીલીંગ્ડન ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં દામોદર કુંડ નજીકથી અંદાજે ૩૦ થી ૩ર વર્ષની વયનો એક યુવાન કોઈપણ કારણસર પીંડ કુંડનાં પાળ પાસે લપસી જવાથી પીંડ કુંડનાં પાણીમાં ડુબી જતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા ભવનાથ પોલીસ ચોકીનાં પીએસઆઈ એમ.સી. ચુડાસમા અને સ્ટાફ બનાવનાં સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આ મૃતક યુવાનની ઓળખ થઈ ગઈ હતી. ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. જયારે અન્ય એક બનાવમાં વીલીંગ્ડન ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે જણાવ્યું હતું કે, વીલીંગ્ડન ડેમમાંથી મળેલી લાશની ઓળખ થઈ છે. મૃતક મહિલાનું નામ મંજુલાબેન વિનોદભાઈ યાદવ(ઉ.વ.૬પ) રહે.જલારામ સોસાયટી, પ્રસંગ એપાર્ટમેન્ટ-એ ૩/પ૦ર ખાતે રહેતા આ મહિલા પોતાનાં ઘરે સુનમુન રહેતા હોય અને વારંવાર સામાન્ય બિમાર પડી જતા હોય જેથી ટેન્શનમાં આવી જઈ ઘરેથી નીકળી પોતાની જાતે પાણીમાં પડી અને ડુબી જવાથી મૃત્યું થયાનું બહાર આવેલ છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

error: Content is protected !!