Sunday, April 2

૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જયંતીએ સ્મૃતિવંદના

0

રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે : સ્વમાન ખાતર અખંડ ભારતની લોખંડી તાકાત હૃદયમાં રાખો : સરદાર પટેલ, વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે, તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને એમનાથી મળ્યો છે : મહાત્મા ગાંધીજી, સરદાર પટેલની કેવડીયા ખાતેની પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજે દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ભારતની એકતાના શિલ્પી તથા ગુજરાતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જયંતી છે. વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં ઈ.સ.૧૮૭૫ના ઓક્ટોબરની ૩૧મી તારીખે ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના માતા-પિતા લાડબાઈ અને ઝવેરભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલે જાહેર જીવનમાં ઝંપલાવ્યું ત્યારે તેઓ ચાળીસ વર્ષની ઉંમર વટાવી ગયા હતા. પરંતુ બાકીનાં જે તેંત્રીસ વર્ષ એમણે દેશસેવામાં ગાળ્યાં, તે અનેક ઝળહળતી સિદ્ધિઓથી ભરેલાં છે. ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૫૦ સુધીનાં દેશના અતિ મહત્ત્વના ત્રીસ વર્ષના રાજકારણમાં તેમની ભૂમિકા અતિ મહત્ત્વની રહી હતી. “વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત, એટલો બધો શુભ અનુભવ મને એમનાથી મળ્યો છે” – આ લાગણીભર્યા શબ્દો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સરદાર વલ્લભભાઈ પટેલ માટેના. ગાંધીજીના આ શબ્દો સંપૂર્ણ રીતે સાર્થક છે. કારણ કે, ભારતની સ્વતંત્રતાની લડતમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગવી ભૂમિકા રહી હતી. વલ્લભભાઈની સાહસિકતા અને દ્રઢ મનોબળને લીધે તેમણે અંગ્રેજાેના અન્યાય સામેની લડતનું નેતૃત્વ સ્વીકારીને અનેકોમાં દેશભાવના જગાવી હતી અને અન્યાયનો સામનો કરવા માટે તૈયાર કર્યા હતા. બારડોલી અને બોરસદના સત્યાગ્રહની સફળતાએ તેમને સમગ્ર રાષ્ટ્રમાં ‘સરદાર’ તરીકે ઓળખ અપાવી હતી. સરદાર પટેલ દીર્ઘ દ્રષ્ટિવાળા રાજપુરુષ અને સમર્થ વહીવટકાર હતા. આથી, તેમણે અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એક કરીને અખંડ ભારતના નિર્માણનું અસંભવ લાગતું કાર્ય પાર પાડ્યું હતું. આ રીતે તેઓ દેશને મૂંઝવી રહેલા અનેકવિધ ગૂંચવણભર્યા પ્રશ્નો કુશળતા અને ચતુરાઈથી ઉકેલતા હતા. ભારતના સૌ પ્રથમ ગૃહમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે રાહત છાવણીઓની વ્યવસ્થા કરાવી હતી. એ સમયે કોમી તણાવના માહોલમાં તેમણે દેશભરમાં શાંતિની પૂર્નઃસ્થાપના માટે અસરકારક પ્રયત્નો કર્યા હતા. સરદાર પટેલ ઓલ ઇન્ડિયા સર્વિસ(સર્વ ભારતીય સેવા-રાજ્ય કારભારની તમામ બિનલશ્કરી શાખાઓ)ના રચયિતા હોવાથી ‘પેટ્રન સેન્ટ’ તરીકે પણ તેમને ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રીય એકતા દિવસ : રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની એકતા અને અખંડિતતા પર રહેલો છે. દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જાેખમોનો સામનો કરવાનું મનોબળ પુરૂ પાડે છે. વર્ષ ૨૦૧૮માં આ દિવસે નર્મદા જિલ્લાના કેવડીયા (એકતાનગર) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સરદાર પટેલે ગુજરાતીઓ વિષે કહ્યું હતું કે, “ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જાેવા ઇચ્છું છું. હું ગુજરાતીઓને કહું છું કે તમે શરીરે ભલે દુબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો. સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો.” આવા ભારતના સપૂત વીર સરદાર પટેલનું અવસાન ઈ.સ.૧૯૫૦માં ૧૫ ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ થયું હતું. સરદાર પટેલનાં સંપૂર્ણ વ્યક્તિત્વને શબ્દોમાં જણાવતી કવિ હરિવંશરાય બચ્ચન આ રચના સાથે તેમની સ્મૃતિ વંદના કરીએ.
યહી પ્રસિદ્ધ લોહ કા પુરૂષબલ, યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા અટલ
હિલા ઇસે શકા ભી ના શત્રુ દલ, પટેલ ઉપર સ્વદેશ કો ગુમાન હૈ !
આલેખન ઃ માર્ગી મહેતા

error: Content is protected !!