પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘માનગઢધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ ઉપર પહોંચ્યા પુર્વે પ્રધાનમંત્રીએ ધૂણીના દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરૂની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માનગઢની પવિત્ર ભૂમિમાં રહેવું હંમેશા પ્રેરણાદાયક છે. આ ભૂમિ આપણા આદિવાસી બહાદુરોની તપસ્યા, બલિદાન, શૌર્ય અને શહીદીનું પ્રતિક છે. તેમણે કહ્યું હતું કે, “માનગઢ એ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિજાતિ લોકોનો સહિયારો વારસો છે”. ૩૦ ઓક્ટોબરે ગોવિંદ ગુરૂની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હોવાનું પ્રધાનમંત્રી જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જુના દિવસોની યાદો તાજી કરતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, માનગઢ પ્રદેશની સેવા કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, ગોવિંદ ગુરૂએ પોતાના જીવનના અંતિમ વર્ષો અહીં વિતાવ્યા હતા, તેમની ઉર્જા તેમજ જ્ઞાનની અનુભૂતિ આજે પણ આ ભૂમિની માટીમાં થાય છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, વન મહોત્સવના માધ્યમથી સ્થાનિકોને અપીલ કરતા આ સમગ્ર વિસ્તાર, જે એક સમયે ઉજ્જડ જમીન હતો તે હવે હરિયાળીમાં રૂપાંતરિત થઇ ગયો છે. પ્રધાનમંત્રીએ આ અભિયાન માટે નિઃસ્વાર્થપણે કામ કરવા બદલ આદિવાસી સમુદાય પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસના પરિણામે માત્ર સ્થાનિક લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે એવું નથી પરંતુ ગોવિંદ ગુરૂના ઉપદેશોનો પ્રચાર પણ થયો છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ગોવિંદ ગુરૂ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા. ગોવિંદ ગુરૂએ પોતાનો પરિવાર ગુમાવ્યો પરંતુ ક્યારેય તેઓ મનથી ભાંગી પડ્યા નહોતા અને દરેક આદિવાસી વ્યક્તિને તેમણે પોતાના પરિવારજનો બનાવ્યા હતા.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગોવિંદ ગુરૂ આદિવાસી સમુદાયના અધિકારો માટે બ્રિટિશરો સામે લડ્યા હતા, તો સાથે સાથે તેમણે તેમના પોતાના સમાજના કુરિવાજાે સામે પણ અભિયાન ચલાવ્યું હતું કારણ કે તેઓ એક સમાજ સુધારક, આધ્યાત્મિક અગ્રણી, એક સંત અને નેતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનું બૌદ્ધિક અને દાર્શનિક પાસું તેમજ તેમની હિંમત અને સામાજિક સક્રિયતા પણ એટલી જ જીવંત હતી.