ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સંબંધિત અધિકારીઓને આદર્શ આચાર સંહિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, શું શું કરવું અને શું શું ના કરવું તેની વિસ્તૃત સમજૂતી આપી હતી. રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષકુમારે રાજકોટમાં બેનર્સ, પોસ્ટર્સ ઉતારવાની શરૂ થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, રાજકોટ પ્રાદેશિક નગર પાલિકા કમિશ્નર ધીમંત વ્યાસ, અધિક કલેકટર ઇલાબહેન ચૌહાણ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ સાથે રાજકીય પોસ્ટર-બેનર ઉતારવાનું શરૂ
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેર-જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની સૂચના તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શન મુજબ તથા આદર્શ આચાર સંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારી આશિષ કુમાર તથા રાજકોટ ગ્રામ્યના નોડલ અધિકારી ઇલાબહેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ, શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો ઉપર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી પૂરજાેશમાં શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દીવાલો ઉપરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર તેમજ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ(ઝ્રફૈંય્ૈંન્) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. શહેર-જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની પાંચ કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.