જૂનાગઢમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને નામ અપાયું આરઝી હકુમતનાં સેનાની શ્રી દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ

0

જૂનાગઢ અને સોરઠ પંથકની જનતા માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે દેશની તેમજ જૂનાગઢની આરઝી હકુમતની જંગમાં મહત્વની કામગીરી દાખવનારા બિલખા ગામનાં સ્વાતંત્ર્ય સેનાની અને આરઝી હકુમત સેનાનાં ગુપ્તચર વિભાગનાં વડા સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા અને તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાનાં યોગદાનને ધ્યાને લઈ અને ગત વર્ષે મનપા જૂનાગઢ દ્વારા આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને આરઝી હકુમતનાં સેનાની શ્રી દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ તેવું નામ અપાયું છે અને તેની અમલવારી શરૂ થઈ ગઈ છે.
જૂનાગઢની લોકક્રાંતિ ‘આરઝી હકુમત’નાં વીર સેનાની સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાએ દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં મહત્વનું યોગદાન આપી ભારત દેશને આઝાદી અપાવવા માટે પૂ. મહાત્મા ગાંધીજીનાં આદેશ અને આર્શિવાદથી હિન્દ છોડો ચળવળ, કવીટ ઈન્ડીયા, દાંડી કુચ, મીઠાનો સત્યાગ્રહ જેવી આઝાદીની અનેક ચળવળોમાં ભાગ લઈ પીક, પોકેટીંગ, રાષ્ટ્રધ્વજ ફરકાવવો, પ્રભાતફેરી, અંગ્રેજાે આ દેશમાંથી ચાલ્યા જાવ સહીતની આઝાદી માટેની અનેક ચળવળોમાં મહત્વનું યોગદાન આપી ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા બદલ લાઠી ચાર્જ, જેલવાસ, મિલ્કત જપ્તીનો પણ ભોગ બનેલ સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા અને તેમનાં ધર્મપત્ની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાએ દેશને સ્વતંત્રતા અપાવવા માટે શપથ લઈ અને સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોમાં ભાગ લીધો હતો.
આખરે ૧પમી ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. આજ સમયે જૂનાગઢ અને સોરઠ પંથકને પણ મુકિત અપાવવા માટેનો નાનકડો સંગ્રામ યોજાયો હતો. જૂનાગઢ અને સોરઠની જનતાએ પ્રજાકીય ક્રાંતિ કરી હતી અને જેને નામ અપાયું હતું ‘જૂનાગઢ આરઝી હકુમત’ જૂનાગઢની લોકક્રાંતિ આરઝી હકુમત દ્વારા લોકો જાગૃતિ લાવવી, ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હિંમત આપવી, તેમજ આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવો સહીતની અનેક મહત્વની કામગીરી કરી જૂનાગઢ આરઝી હકુમત સેનામાં મહત્વનું યોગદાન આપનારા બિલખા ગામનાં વીર આરઝી હકુમતનાં સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની સ્મૃતિ કાયમી જળવાય રહે તે માટે ગત વર્ષે ૯મી નવેમ્બર ર૦ર૧નાં રોજ જૂનાગઢ મનપાનાં તત્કાલીન મેયર ધીરૂભાઈ ગોહેલ તથા ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, કમિશ્નર રાજેશ તન્નાની જહેમતથી મનપા દ્વારા આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગનું નામકરણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. અને તેની અમલવારી શરૂ થઈ ગઈ છે. આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનો માર્ગ સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ તરીકે ઓળખાઈ રહયો
છે.
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં ન્યુઝ સબ એડીટર જગડુશા નાગ્રેચાનાં પિતાશ્રી દુર્લભજીભાઈ નાગ્રેચાને મનપા જૂનાગઢે શ્રધ્ધાંજલી અર્પી હતી.

error: Content is protected !!