આરઝી હકુમતનાં સૈનિકોને કોટી કોટી વંદના

0

‘યે મેરે વતન કે લોકો જરા યાદ કરો કુરબાની’ ભારત દેશને અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત કરાવનારા દેશનાં નામી અનામી વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાંજલી આપવાનો અવસર આપણને ૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરીનાં રોજ પ્રાપ્ત થાય છે. ત્યારે આઝાદીનો નાનકડો છતાં આગવો ઈતિહાસ સર્જનારા જૂનાગઢ આરઝી હકુમતનાં વીર સૈનિકોને શ્રધ્ધાંજલી આપવાનો અવસર એટલે ૯મી નવેમ્બર આજનો દિવસ છે.
દેશ ૧પમી ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢ અને સોરઠ પંથકમાં પરિસ્થિતિએ અણધાર્યો વળાંક લીધો હતો. જૂનાગઢનાં તત્કાલીક નવાબ દ્વારા કોઈનાં ઈશારે જૂનાગઢને પાકિસ્તાન સાથે જાેડવાની હિલચાલ કરતાં તેની સામે ભારે વિરોધ ઉઠયો હતો. પ્રજાકીય લોકક્રાંતિ ઉઠી હતી. સોરઠ પંથકની ખમીરવંતી પ્રજાએ જે જીંદાદીલી બતાવી હતી તે કયારેય ભુલી ન શકાય તેવી બાબત છે. જૂનાગઢની પ્રજાકીય ક્રાંતિની ચળવળને નામ અપાયું હતું ‘આરઝી હકુમત’ આ આરઝી હકુમત સેનામાં જાેડાઈ જૂનાગઢ રાજય અને સોરઠ પંથકની જનતાએ આઝાદીનો અલગ ઈતિહાસ રચ્યો હતો. અને આઝાદીની આ લડાઈમાં પ્રજાકીય ચળવળે વિજય પ્રાપ્ત કરી અને ૯મી નવેમ્બર ૧૯૪૭નાં દિવસે જૂનાગઢ શહેર સાચા અર્થમાં આઝાદ થયું હતું. અને એટલા માટે ૯મી નવેમ્બરનાં દિવસને જૂનાગઢનાં મુકિત દિન તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢને આઝાદી અપાવનારા આરઝી હકુમતનાં નામી, અનામી, વિર સેનાનીઓનાં યોગદાનને કયારેય આપણે ભુલી શકીએ તેમ નથી. તેમનાં પ્રત્યે આપણું ઋણ રહેલું છે. એટલું જ નહીં જૂનાગઢની આઝાદીની ચળવળ, તેનો ઈતિહાસ તેમજ આરઝી હકુમતનાં સૈનિકોની જીવન ઝરમર, તસ્વીર, આરઝી હકુમતનાં ફોટોગ્રાફસ સહીતનાં ઈતિહાસને જીવંત રાખવા માટે નકકર કામગીરી કરવાની જરૂર છે અને એ કામગીરી માટે જૂનાગઢ શહેરમાં આરઝી હકુમતનાં સૈનિકોનાં ઈતિહાસને જીવંત બનાવવા માટે આરઝી હકુમત મેમોરીયલ કે મ્યુઝીયમ બનાવવાની જરૂર છે. સોરઠનાં નેતાઓએ છાશવારે નિવેદન કરતા નેતાઓ, સામાજીક સંસ્થાઓએ આ પ્રશ્ને જાગૃત બનીને આરઝી હકુમતની સેનામાં ભાગ લેનાર લોકોને ત્યારે જ સાચી શ્રધ્ધાંજલી મળશે જયારે આરઝી હકુમતનું મેમોરીયલ કે મ્યુઝીયમ બનાવાશે અને ત્યારે જ શ્રધ્ધાંજલી અર્પી ગણાશે. દરમ્યાન આ તકે જૂનાગઢની આઝાદીનો ઈતિહાસ રચનાર આરઝી હકુમતનાં નામી, અનામી વિર સૈનિકોને કોટી કોટી વંદન…
તંત્રી : કાર્તિક ઉપાધ્યાય

error: Content is protected !!