વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના વિશે જાગૃતિ વધારવા અને જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા. ૭ માર્ચના દિને જન ઔષધી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ “જન ઔષધી સસ્તી ભી, અચ્છી ભી”ની થીમ ઉપર જન ઔષધી દિવસ ઉજવવાનું આયોજન કરાયું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના જન ઔષધી દિવસની ઉજવણી ભાણવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધી દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. લોકોને આરોગ્યની સુવિધા લોકોને પોસાય ભાવમાં મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત જેનરીક દવાઓ રાહત ભાવે મળી રહે તે છે. લોકોએ પૂર્વાગ્રહ છોડી પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો ખાતે મળતી દવાઓ લેવી જાેઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધી દિવસની ઉજવણી લોકોમાં જેનરીક દવાઓ અંગે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. સરકારની આરોગ્યલક્ષી સેવાઓમાં પીએમજેએવાય કાર્ડ થકી અનેક બીમારીઓનો સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. જેથી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સારી સારવાર ઉપલબ્ધ થઈ છે. તેવી જ રીતે અનેક બીમારીઓ એવી હોય છે કે જેની દવા લાંબા સમય સુધી આપવામાં આવતી હોય ત્યારે લોકોને રાહત ભાવમાં દવા મળી રહે તે હેતુથી આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુરે જણાવ્યું હતું કે, “સરકારની તમામ યોજનાઓમાં શિરમોર યોજના છે આરોગ્યલક્ષી યોજનાઓ. આપણે પણ ઘણી વખત એવું અનુભવ્યું હોય છે કે ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય ત્યારે આપણે અન્ય પાસેથી પૈસા લઈને સારવાર કરાવવી પડતી હતી. પરંતુ હવે સરકારએ આયુષ્યમાન કાર્ડ થકી આ પ્રશ્ન પણ દૂર કરી દીધો છે. તેવી જ રીતે જેનરીક દવાઓ થકી લોકોને સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવા સસ્તા ભાવે મળી રહે છે. આપણે સૌએ જેનરીક દવાઓ અપનાવવી જાેઈએ.” આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના સંચાલકને પ્રસ્શતીપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ. ભંડેરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ડો. ભટ્ટ દ્વારા જેનરીક દવાઓ શા માટે અપનાવવી જાેઈએ તે અંગેની સમજણ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર, હીમોગ્લોબીનની તપાસ કરાવવા માટે અહીં વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રામદેભાઈ કરમુર, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઇ કરમુર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.