ઉના તાલુકાનાં ઓલવાણ ગામે ચૈત્ર માસનાં પ્રથમ સપ્તાહ દરમ્યાન સમસ્ત કછોટ(આહિર) ૫રીવાર દ્વારા તા.૨૨ થી ૨૮ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહનાં વ્યાસપીઠ ઉ૫ર કાશીથી પીએચડી થયેલ ભાલકાવાળા શાસ્ત્રી ડો. મહાદેવપ્રસાદ મહેતા બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કથાશ્રવણ રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ સુધી કરી શકાશે. તેમનું યુટયુબ ઉ૫ર લાઈવ પ્રસારણ ૫ણ કરવામાં આવશે. રોજ મહાપ્રસાદનું ૫ણ આયોજન કરવામાં આવેલ છે. આ સપ્તાહ દરમ્યાન પાવનકારી પ્રસંગોમાં ૨૨ માર્ચનાં રોજ પોથીયાત્રા, ૨૩ તારીખે કપિલ જન્મ, ૨૪ તારીખે નૃસિંહ જન્મ, ૨૫ તારીખે વામન જન્મ, રામજન્મ અને કૃષ્ણ જન્મોત્સવ, ૨૬ તારીખે ગોવર્ઘન પુજા, ૨૭ તારીખે શ્રીકૃષ્ણ રુક્ષમણી વિવાહ અને છેલ્લા દિવસે ૨૮ તારીખે સુદામા ચરિત્ર, ૫રીક્ષીત મોક્ષ સાથે કથાને વિરામ આ૫વામાં આવશે. આ સપ્તાહ દરમ્યાન રોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ૫ણ આયોજન કરવામાં આવેલ છે. જેનાં મુખ્ય આકર્ષણોમાં ૨૩ માર્ચ રાતે ૧૦ કલાકે કાન ગોપી રાસમાં જગાભાઈ ટીકર વાળા અને તેમની ટીમ મોજ કરાવશે. તથા ૨૫ માર્ચ શનિવારે રાત્રે ૧૦ કલાકે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. જેનાં મુખ્ય કલાકારો તરીકે લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક સાગરદાન ગઢવી અને લોકગાયિકા મીરાબેન આહિર ડાયરાને ડોલાવશે. તેમજ સોમવારે તા. ૨૭ માર્ચનાં રાત્રે ૧૦ કલાકે સમુહ રાસ ગરબાનું આયોજન થયેલ છે. જેમાં ૫રં૫રાગત ભાતીગળ વેશભુષામાં દાંડીયા રાસ રમી અનેરૂ વાતાવરણ જમાવશે. આ સપ્તાહમાં દેશવિદેશમાં રહેતાં આહિર કછોટ ૫રીવારનાં તમામ લોકો ઓલવાણ મુકામે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવશે. આ ઉ૫રાંત ગુજરાતનાં અનેક મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, મેયર, માજી ધારાસભ્યો, તમામ સમાજનાં આગેવાનો, સંતો-મહંતોમાં ઘાટવડ વાળા ઇન્દ્રભારતીબાપુ, ગરાળથી અમરગીરી બાપુ, ગુપ્તપ્રયાગથી વિવેકાનંદ બાપુ, શેષનારાયણગીરી બાપુ(હુડા) અને ડોળાસાથી ગુરૂદત આશ્રમનાં ભરતદાસજી અને કુળગોર પ્રવિણદાદા ઠાકર સહિત અનેક સાઘુ સંતો હાજર રહી આશિષ આ૫શે.