ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા માધાભાઈ ખીમાભાઈ પરમારની ખેતીની જમીનમાં ગઈકાલે બુધવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આશરે ૨૨ વિઘાના આ ખેતરમાં ખેડૂતે મેથી અને જીરૂ તથા જુવારના પાકનું વાવેતર કર્યું હતું. આ પાકને ઉતારી અને તેમણે એક સ્થળે એકત્ર કરીને રાખ્યો હતો. પરંતુ આ પાકમાં એકાએક વિકરાળ આગ લાગતા થોડો સમય સ્થાનિકોમાં ભાયના માહોલ સાથે નાશભાગ મચી જવા પામી હતી. જેના કારણે આ શિયાળુ પાક બળી જતા ખેડૂતને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવ બાદ ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગ પીજીવીસીએલના તાર ઉપર શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું કહેવાય છે. ત્યારે નુકસાનીનો ભોગ બનનાર ખેડૂતને તાકીદે વળતર મળે તેમજ પીજીવીસીએલ તંત્ર દ્વારા તાકીદે વિજતાર અંગેની કામગીરી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો રહીશોમાં ઉઠવા પામી છે.