દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી ૧૮૫ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એટીએસ તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાની બોટમાંથી રૂા.૪૨૭ કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ઈરાની ખલાસીઓની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે બુધવારે ઓખા બંદર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એટીએસના અધિકારીઓ દ્વારા આરોપીઓની પ્રાથમિક પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. હાલારના તત્કાલીન જિલ્લા પોલીસ વડા તેમજ હાલ એટીએસના મુખ્ય વડા આઈ.પી.એસ. દીપન ભદ્રન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક તેમજ હાલ એટીએસના એસ.પી. સુનિલ જાેશી તેમજ સ્ટાફ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડને સાથે રાખીને કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં રૂા.૪૨૭ કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતા ૬૧ કિલ્લો ડ્રગ્સનો જથ્થો કબજે લઈ અને આ મુદ્દામાલ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ માફિયા ગુલામ બલોચીનો હોવાનું ખૂલવા પામ્યું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનના બંદરેથી પાંચ ઈરાનીઓ સાથે મોકલવામાં આવતા ભારતીય એટીએસ દ્વારા આ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ડ્રગ્સનો આ જથ્થો ભારતમાં ઓખાના દરિયા દ્વારા ઘુસાડીને અને દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા મારફતે ખાસ વાહનમાર્ગ દ્વારા ઉત્તર ભારતના વિસ્તારોમાં સપ્લાય કરવાનું આયોજન હોવાનું પણ ખુલવા પામ્યું છે. ગત તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ ઈરાની ખલાસીઓ ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના યસની બંદરેથી લઈને નીકળ્યા હતા. ભારતમાં ઘુસે અને ડ્રગ્સ સપ્લાયરને ડીલેવરી કરવામાં આવે તે પૂર્વે એટીએસ અને કોસ્ટ ગાર્ડ તમામને ટીમે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ ઈરાની નાગરિકો મોહસીન અયુબ બ્લોચ, અસગર રિયાઝ બ્લોચ, ખુદાબક્ષ હાજી બ્લોચ, રહીમબક્ષ મીલાબક્ષ બ્લોચ અને મુસ્તફા આદમ બ્લોચ નામના આ પાંચેય આરોપીઓને ગઈકાલે ગુરૂવારે ઓખાની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે આ આરોપીઓની આગળની પૂછતાછ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં કેટલીક ચોકાવનારી બાબતો પ્રકાશમાં આવે તો પણ નવાઈ નહીં. આઇ.પી.એસ. દિપન ભદ્રન તથા સુનિલ જાેશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ સમગ્ર ઓપરેશનની પ્રશંસા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કરવામાં આવી છે.