ભારતના સંવેદનશીલજાહેર ક્ષેત્રોની સંસ્થાને સુરક્ષા કવચ પુરી પાડતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ

0

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. દેશની ઉમદા અને કુશળ સંસ્થા તરીકે પ્રસ્થાપિત થનાર આ ફોર્સની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના સંવેદનશીલ જાહેરક્ષેત્રોને સુરક્ષા પ્રદાન કરવાનો છે. ૧૫ જૂન ૧૯૮૩ના ભારતીય સંસદ દ્વારા સી.આઈ.એસ.એફ.ને ભારતનું સશસ્ત્ર દળ બનાવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ૧૦ માર્ચના દિવસે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય સશસ્ત્ર સેનામાં ચાર મુખ્ય સેનાઓ છે. જેમાં થલસેના, વાયુસેના, જલસેના, કોસ્ટગાર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતની અર્ધલશ્કરી સેનાઓ જેવી કે આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યોરીટી ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડઝ, સશસ્ત્ર સીમા બલ, સહિતની સેનાઓ ગૃહ મંત્રાલય હેઠળ સમાવિષટ થયેલી છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અંતર્ગત દેશની અગત્યની જાહેર સંસ્થાઓ જેવીકે પરમાણુ સંસ્થાઓ, અવકાશ સંસ્થાઓ, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પાવર પ્લાન્ટ્‌સ વગેરે જેવી ભારતની સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓને રક્ષણ મળે છે. તેમજ આ ફોર્સ તમામ મહત્વપૂર્ણ સરકારી ઇમારતો, પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકો અને દિલ્હી મેટ્રોનું પણ રક્ષણ કરે છે. ફોર્સ પાસે એક વિશિષ્ટ વી.આઈ.પી. સુરક્ષા વર્ટિકલ પણ છે જે મહત્વપૂર્ણ રક્ષકોને ચોવીસ કલાકની સુરક્ષા પૂરી પાડે છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ખાનગી કોર્પોરેટ સંસ્થાઓને પણ સી.આઈ.એસ.એફ.સુરક્ષા કવચ તેમજ સુરક્ષા કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. તેમજ આતંકવાદ સહિત કોઈ પણ ખતરાનો સફળતાપૂર્વક જવાબ આપવા માટે હંમેશા સજ્જ રહે છે. સી.આઈ.એસ.એફ. એક માત્ર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. જે પોતાના વ્યાવસાયિક કૌશલ્યોને સતત અપગ્રેડ કરવા માટે પ્રતિબદ્ધ છે. પોતાની ફાયર વિંગ ધરાવતી સી.આઇ.એસ.એફ. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સમયે ઇન્ડસ્ટ્રીઝમાં આગની દુર્ઘટનાને રોકવા માટે મદદરૂપ બને છે.

error: Content is protected !!