મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ સાથે ઉપરકોટનાં ‘લોકાર્પણ’ની ગણાતી ઘડીઓ

0

રૂા.૭૪ કરોડનાં ખર્ચે નવીનિકરણની કામગીરી પુર્ણતાનાં આરે : ટુંક સમયમાં કાર્યક્રમ કન્ફર્મ થશે

જૂનાગઢ શહેરનાં અનેક ઐતિહાસીક વિરાસતો પૈકી ઉપરકોટનાં સુપ્રસિધ્ધ કિલ્લાની નવીનિકરણની કામગીરી પુર્ણતાનાં આરે પહોંચી ગઈ છે અને ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમનું લોકાર્પણ થવાનું છે તેવા નિર્દેશો મળી રહ્યા છે અને આ બાબતે એક ચોક્કસ કાર્યક્રમની રૂપરેખા ઘડાયા બાદ કાર્યક્રમ જાહેર થવાનો છે તેમ જાણવા મળી રહ્યું છે.
પ્રવાસન ક્ષેત્રનાં હબ તરીકે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પ્રવાસનધામોને વિકસાવવા માટેનું ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ તેમજ કેન્દ્ર સરકારનું એક વિઝન રહ્યું છે. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન વાળી સરકાર દ્વારા જૂનાગઢ શહેરને રોપવેની ભેટ મળી ચુકી છે અને આજે પ્રવાસી જનતા માટે એશિયાનો સૌથી મોટો એટલે ગિરનાર રોપવે પ્રવાસીજનતા માટે હોટ ફેવરીટ રહ્યો છે. આ રોપવેનાં માધ્યમથી પ્રવાસી જનતા ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લઈ રહી છે. તેમજ ગુરૂદાતાત્રેયની ટુંક, જૈનોનાં ધાર્મિક સ્થળો તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ પણ પ્રવાસી જનતા જઈ શકે છે અને વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસી જનતા જૂનાગઢ ખાતે ઉમટી પડે છે. દરમ્યાન જૂનાગઢ શહેરની આન, બાન અને શાન સમા ઐતિહાસીક ઉપરકોટનાં નવીનિકરણની કામગીરી પણ પુરજાેશમાં ચાલી રહી હતી. અંદાજીત રૂા.૭૪ કરોડનાં ખર્ચે ઉપરકોટના નવીનિકરણની કામગીરી પુર્ણ થઈ ચુકી છે તેમજ હવે ઉપરકોટનાં લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે. દરમ્યાન ઉપરકોટનાં લોકાર્પણનાં કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમ્યાન જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ઉપરકોટનાં લોકાર્પણ અંગેની તમામ પ્રક્રિયા પુર્ણ થયા બાદ ઉચ્ચ કક્ષાએથી કાર્યક્રમ જાહેર થશે. જયારે પ્રવાસન વિભાગનાં કુલદીપ પાઘડારે સૌરાષ્ટ્ર ભૂમિને જણાવ્યું હતું કે, હાલ રૂા.૭૪ કરોડનાં ખર્ચે ઉપરકોટની કામગીરી નવીનિકરણની પુર્ણ થઈ રહી છે અને ઉપરકોટનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અને એક ફાઈલ ઉચ્ચ કક્ષાએ મુકવામાં આવી છે અને ત્યારબાદ ઉચ્ચ કક્ષાએથી અભિપ્રાય અને કન્ફરમેશન મળી ગયા બાદ ઉપરકોટનાં લોકાર્પણનો કાર્યક્રમ જાહેર થવાનો છે. વિશેષમાં આધારભુત સુત્રો દ્વારા મળતી વિગત અનુસાર ઉપરકોટનાં લોકાર્પણ વિધી માટે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે ત્યારે જે અંગેનાં કાર્યક્રમો નક્કી થઈ રહ્યા છે અને ટુંકમાં લોકાર્પણ અંગેનો કાર્યક્રમ જાહેર થશે તેમ મનાઈ છે.

error: Content is protected !!