નશામુકત ભારત અભિયાન અંતર્ગત શ્રી સંત તુલસીદાસ શાળામાં યોજાયો કાર્યક્રમ”એક યુદ્ધ નશેકે વિરૂદ્ધ”

0

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નશામુકત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ અધિકારી તથા શકિત સેવા સમિતિના સંયુકત ઉપક્રમે “એક યુદ્ધ નશે કે વિરૂધ્ધ” જાગૃતિ કાર્યક્રમ રામનાથપરા ખાતે આવેલી શ્રી સંત તુલસીદાસ શાળા નં-૧૬માં યોજાયો હતો. મુખ્ય વક્તા અને સૌરાષ્ટ્ર યુનવર્સિટીના આસી. પ્રોફેસર ડો. ભગીરથસિંહ માંજરિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વ્યસન ન કરવા માટેના ઘણા કારણો છે. તમામ વ્યસનો નૈતિક રીતે તો અપરાધ છે જ, અમુક વ્યસનો કરવા એ કાયદાકીય રીતે પણ અપરાધ બને છે. વ્યસનને લીધે આરોગ્ય, સામાજિક, આર્થિક નુકસાન થાય છે. સંપૂર્ણ પરિવાર ઉપર વ્યસન ખરાબ અસર કરે છે. તેમણે બાળકોને માતા પિતા અને ઘરના લોકોને વ્યસન છોડવા પ્રેરણા અને જન્મદિન નિમિત્તે માતા પિતા પાસેથી વ્યસન છોડીને તેમના તંદુરસ્ત જીવનની ભેટ માંગવા કહ્યું હતું. સિનિયર સિવિલ જજ શ્રી અજયકુમાર સંઘવીએ બાળકો સાથે સંવાદ કરીને હતું કે, જેમ છોડ માંથી ઝાડ બનાવવા માટે દરરોજ ધ્યાન દઈ માવજત કરવી પડે તેમ આપણે આપણા જીવનની માવજત નશાથી દુર રહીને કરવાની છે. બાળકની વર્તણૂક ઉપરથી વ્યસન કરતું લાગે તો તેને પાછો વાળવા પ્રયત્નો કરવા તેમણે શિક્ષકોને ખાસ વિનંતી કરી હતી. અને કોઈ બાળમજૂરી, બાળલગ્ન, સતામણી કે મૂંઝવણ હોય તો બાળકો માટેના હેલ્પલાઇન નંબર ૧૦૯૮ યાદ રાખી ફોન કરવા જણાવ્યું હતું. જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ અવિનાશ ઓઝા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિતે અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ શક્તિ સેવા સમિતિના મીનાક્ષી બેને શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણાત્મક વીડિયોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન બાળકોને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શક્તિ સેવા સમિતિના લીનાબેન શુક્લએ આભાર દર્શન કર્યું હતું. આ તકે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસિયા, રાઈઝિંગ ઈંડિયાના હર્ષિલ શાહ, બાળ સુરક્ષા એકમના અલ્પેશ ગોસ્વામી, શાળાના આચાર્ય કાજલબેન કોત્રંબા તેમજ અન્ય અધિકારીઓ અને શાળા ક્રમાંક ૧, ૧૬, ૨૩, ૪૮ના બાળકો તેમજ શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!