અધૂરા માસે જન્મેલા નવજાત શિશુ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની “નિઓનેટલ” એન.આઈ.સી.યુ. સેવા બની આશીર્વાદરૂપ

0

૧૦૮ એમ્બ્યુલન્સ અત્યાર સુધી અનેક નવજાત શિશુનું જન્મસ્થળ બની ચુકી છે, પરંતુ બાળક જયારે અધૂરા માસે જન્મે ત્યારે તેને બચાવવું ખૂબ મુશ્કેલ હોય છે. ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે અધૂરા માસે જન્મેલા બાળકને ૧૦૮ ની “નિઓનેટલ” સેવાની મદદથી મદદથી નવજીવન મળ્યું છે. પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, નવજાત શિશુ માટે ખાસ તૈયાર કરાયેલી કાચની પેટી જેવું આધુનિક સ્ટ્રેચર કે જેને નિઓનેટલ કહેવામાં આવે છે, જેના દ્વારા ઓક્સિજન બ્લેન્ડર બ્રેકેટ સિસ્ટમની મદદથી નવજાત શિશુને ધીમા ફલો સાથે જરૂર મુજબ ઓક્સિજન આપવામાં આવે છે. નવજાત શિશુને કોઈ પણ ઇન્જેક્ટેબલ પ્રવાહી આપવા સિરીંજ પંપ બ્રિકેટ સિસ્ટમ પણ તેમાં સામેલ છે. ઈન્ક્યુબેટરની મદદથી અંદરનું તાપમાન જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. આ અદ્યતન સેવા નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ બની બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ બની રહી છે. તબીબી જગત માટે જૂજ કહી શકાય તેવા કેઈસ વિશે વધુ વિગતો આપતાં ૧૦૮ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, ગોંડલ ખાતે જ્યોતિબેન મયુરભાઈ ચૌહાણને પ્રસુતિની પીડા ઉપાડતા અધૂરા માસે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી. બાળક અધૂરા મહિને જન્મ્યું હોવાથી નવજાત શિશુનું વજન ફક્ત એક કિલોગ્રામ હોવાથી ઓક્સિજન લેવલ ૮૫% જેટલું થઈ ગયેલું હતું. બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે ગોંડલથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવા માટે વિરપુર ખાતેની ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સી.એચ.સી. વિરપુર ખાતેની એન.આઈ.સી.યુ. સુવિધા સાથેની ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરીની મીનીટોમાં જ પહોંચી ગઈ હતી. નવજાત શિશુને ટ્રાન્સફર દરમ્યાન ખાસ સ્ટ્રેચર નિઓનેટલની મદદથી ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. ઈ.આર.સી.પી. ડો. સુનિતાના માર્ગદર્શન મુજબ ૧૦૮ના ઈ.એમ.ટી. અરૂણાબેન ચાવડા અને પાયલોટ પ્રકાશભાઈ ડાંગરએ જરૂરી સારવાર આપી, કુશળતાપૂર્વક બાળકને રાજકોટ હોસ્પિટલ સુધી સલામત પહોંચાડ્યું હતું. નવજાતને શિશુને ખરેખર નવજીવન મળતાં નવજાત શિશુના માતાપિતાની ખુશીનો પાર નહોતો રહ્યો. આ તકે બાળકનાં પરિજનોએ ૧૦૮ની સુદ્રઢ સેવાને બિરદાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

error: Content is protected !!