જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિનો ચિતાર મેળવી કરી સમીક્ષા : પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે તેજીથી આગળ વધારવામાં આવશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળામાં સહભાગી થયા પૂર્વે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટેના વાતાવરણનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે રાજ્યભરમાં તેજીથી આગળ વધારવામાં આવશે. આ માટે એક યોજના તૈયાર કરી દેવામાં આવી છે. જે મુજબ દરેક તાલુકામાં ૧૦-૧૦ ગામોનું એક ક્લસ્ટર-સમૂહ બનાવવામાં આવશે. જેમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ઢબે ખેતી કરતા ખેડૂતોને કે, જેણે પ્રાકૃતિક ખેતીમાં એક મોડલ પ્રસ્થાપિત કર્યું છે અને પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો અને ફાયદાઓ અન્ય ખેડૂત સુધી પહોંચાડી શકે તેને એક ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. આમ આયોજનબદ્ધ રીતે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવામાં આવશે. આ તાલીમ ગામની જાહેર જગ્યામાં યોજવામાં આવશે જ્યાં પાણી સહિત અન્ય પ્રાથમિક સગવડતા હોય જેથી બિન જરૂરી ખર્ચ ન કરવો પડે. પ્રાકૃતિક ખેતીની તાલીમ લેનાર ખેડૂતોનું રજીસ્ટર નિભાવવામાં આવશે અને તેની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવશે. રાજ્યપાલએ જણાવ્યું કે, તાજેતરમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રાકૃતિક ખેતીને એક જનઆંદોલનમાં પરિવર્તિત કરવા માટે અને આ કાર્યયોજનાને સફળ બનાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાસાયણિક ખેતીના પરિણામે કેન્સર, ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ વધી છે. ૬૦ જેટલા પશુ-પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. માતાના દૂધમાં પણ યુરિયાના અવશેષો જાેવા મળી રહ્યા છે. આમ, રાસાયણિક-જૈવિક ખેતીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. નીતિ આયોગના રિપોર્ટમાં પણ ગ્લોબલ વોર્મિંગ વધારવામાં ૨૪ ટકા રાસાયણિક ખેતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. યુરિયામાં નમકનું પ્રમાણ હોવાથી જમીનની જળસંગ્રહ ક્ષમતા ખતમ થઈ રહી છે. આમ, આ પરિસ્થિતિમાં લોકોનું આરોગ્ય અને પર્યાવરણ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ તરીકે બચે છે. રાસાયણિક ખેતીના લીધે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા, મિત્રકીટકો વગેરેનો નાશ થયો છે. તેના પરિણામે જમીન બિનઉપજાઉ બની રહી છે. ૬૦ના દાયકામાં જ્યારે જમીનનું ઓર્ગેનિક કાર્બન ૨.૫ ટકા જેટલું હતું. જે આજે ઘટીને ૦.૩ થી ૦.૫ ટકા સુધી પહોંચી ગયું છે. ત્યારે યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો એક વર્ષમાં ૦.૮ ટકા સુધી ઓર્ગેનિક કાર્બન વધ્યો હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કાર્યને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ હોવાનું જણાવ્યું હતું. સાથે જ લોકોના જીવન બચાવવાના આ કામ માટે આત્માના અધિકારી, કર્મચારી અને ખેડૂતોને પણ અભિનંદન આપ્યા હતા. ઉપરાંત રાજ્યપાલએ ખેતિવાડી, આત્મા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના મિશનને પરસ્પર સહયોગથી આગળ વધારવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે જૂનાગઢ જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ૭૬થી વધારે એવા ગામ છે કે, જ્યાં ૭૫થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લામાં ૧૯ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. ઉપરાંત તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ખેત પેદાશોના માર્કેટ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા સંચાલિત એફપીઓની પણ જાણકારી આપી હતી. કલેકટર રચિત રાજે જૂનાગઢમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક ભોજન માટે શરૂ થયેલ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના માધ્યમથી બહેનોને મળતી રોજગારી અને ગત વિધાનસભા ચૂંટણીમાં દેશભરમાં પહેલરૂપ એવું ઊભું કરાયેલ એનિમલ હેલ્થ બૂથ વિશે માહિતી આપી હતી. અંતમાં તેમણે આભારવિધિ કરી હતી. આ તકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પી.વી. ચોવટીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ રાજ્યપાલ સાથે સંવાદ કરતાં પોતાના અનુભવો વ્યક્ત કર્યાં હતા અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આગમન થતા જૂનાગઢ પોલીસના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, ગુજરાત પાકૃતિક અને સેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.કે. ટીંબડીયા, પાકૃતિક કૃષિ સંયોજક પ્રફુલભાઈ સેંજલીયા, રમેશ સાવલીયા, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણીયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.