જૂનાગઢ : ૫૧ દુકાનદારો ઘઉં, ચોખા, ચણાના સ્ટોકથી વંચિત : તત્કાલ વ્યવસ્થા કરવા માંગ

0

જૂનાગઢ તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉનમાં ચોખા, ઘઉં, ચણાનો પુરતો સ્ટોક ન હોય અનાજ વિતરણ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ તો ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું હોય ગોડાઉનમાં પુરતો જથ્થો રાખવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢ તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસિએશનના પ્રમુખ દિપક કારીયાએ જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જૂનાગઢ તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉનમાં ૧૩ માર્ચ સુધીમાં ચોખા, ચણાનો જથ્થો હાજર નથી! જૂનાગઢ તાલુકાના ૯૧ દુકાનદારો પૈકી ૪૦ દુકાનદારોને ઘઉં, ચોખા મળેલ છે, જ્યારે ૫૧ દુકાનદારો અનાજના જથ્થાથી વંચિત છે. જ્યારે ચણાનો જથ્થો પણ ફક્ત ૧૨ દુકાનદારોને જ મળ્યો છે, જ્યારે ૭૯ દુકાનદારોને અનાજના જથ્થાથી વંચિત છે ! ત્યારે આવી સ્થિતીમાં દુકાનદારો ગ્રાહકોને અનાજનું વિતરણ કઇ રીતે કરી શકે? સરકાર દ્વારા જાહેરાતતો કરાય છે કે, ૧ માર્ચથી અનાજ વિતરણ શરૂ કરાયું છે. જ્યારે દુકાનદારોને ૧૩ માર્ચ સુધી અનાજનો પુરતો જથ્થો ન મળે તો અનાજ વિતરણ કઇ રીતે કરે ? આવી સ્થિતીને લઇને દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે અવાર નવાર ઘર્ષણ થાય છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવાની માંગ છે. દરમ્યાન અનાજનો જથ્થો પુરતો મળતો ન હોય આ મામલે ૭ માર્ચના પુરવઠા નિમગના મામલતદારને રૂબરૂ રજૂઆત કરાઇ હતી. તેમણે ૨ દિવસમાં નિગમના ગોડાઉનમાં સસ્તા અનાજનો જથ્થો આવી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ આશ્વાસન ઠાલું જ રહ્યું છે. ૧૩ માર્ચ સુધી અનાજનો પુરતો જથ્થો આવ્યો નથી તેમ વ્યાજબી ભાવના વેપારી એસો. પ્રમુખ દિપક કારીયાએ જણાવ્યું હતું.

error: Content is protected !!