કદાચ સૌથી વધુ ખુશ થયા હશે ભગવાન દ્વારકાધીશ… દ્વારકામાં જગત મંદિરના શિખર ઉપર મનોદિવ્યાંગ બાળકોએ ચડાવી ધજાજી

0

દર્શનાર્થીઓ પણ મનોદિવ્યાંગ બાળકોની શ્રધ્ધા જાેઈને થયા ખુશ

દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર ઉપર લહેરાતી ૫ર ગજની ધજાનું વિશેષ મહત્વ છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાનું શીષ ઝુકાવવા અહીં આવે છે. જે પોતાની શ્રદ્ધા મુજબ માનતા પણ લેતા હોય છે. તે માનતા પૂર્ણ થતા જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી, ધન્યતાનો અનુભવ કરે છે. જગતમંદિરના શીખર ઉપર દરરોજ પાંચ ધ્વજાજી ચડાવવામાં આવે છે. જેમાં રંકથી લઈને મોટા કદાવર નેતા, ઉદ્યોગપતિ અહીં ધ્વજારોહણ કરવા આવે છે. પરંતુ કદાચ જગત મંદિરના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના ગઈકાલે બની છે. મનોદિવ્યાંગ બાળકો દ્વારા ગઈકાલે બુધવારે દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદની સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના ૩૫ મનોદિવ્યાંગ બાળકો તથા દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ ફાઉન્ડેશન દ્વારકાના ૨૫ બાળકોએ સાથે મળી, ધ્વજાજીનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ આ મનોદિવ્યાંગ બાળકો ભગવાનની ધૂનમાં નાચતા ગાતા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પહોંચ્યા હતા. વારાદાર પૂજારી દ્વારા આ બાળકોની શ્રદ્ધા જાેઈ વિશેષ પૂજા કરાવી, જગત મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું. જેથી એવું લાગી રહ્યું હતું કે ભગવાન દ્વારકાધીશ કદાચ આજે સૌથી વધુ ખુશ થયો હશે.

error: Content is protected !!