સતર્કતા અને સમયબદ્ધતા સાથે રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓ સમયે નાગરિકો માટે સતત સતર્ક-રક્ષક બનતી “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”

0

આજના ભાગદોડભર્યા અને ઝડપી પરિવહનના યુગમાં વાહનોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય હોય કે શહેર, દરેક જગ્યાએ રોડ અકસ્માતના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આપણે જાણીએ જ છીએ કે છાશવારે સર્જાતા અકસ્માતોમાં મોટા ભાગે વાહનની ઓવરસ્પીડ કારણભૂત હોય છે અને આવા સમયે મદદ માટે લોકોનાં હોઠે તુરંત જ આવતો નંબર એટલે ૧૦૮. નાગરિકોને આકસ્મિક બનાવના સમયે સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના સહયોગથી ઈમરજન્સી “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા” ગુજરાતમાં ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ ના રોજ શરૂ કરાવી હતી, ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ સેવાને વધુને વધુ અસરકારક બનાવી તેનો વ્યાપ વધારીને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. રાજકોટમાં આજે ૪૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે અંદાજિત ૮૨ પાયલોટ અને ૮૦ ઈ.એમ.ટી. આરોગ્યકર્મીઓ ૧૦૮ માં સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેર અને ૧૧ તાલુકાઓ અને ગામડાઓમાં ૧૦૮ ની સેવાનું માળખું ફેલાયેલું છે. આકસ્મિક રોડ અકસ્માતનાં બનાવોમાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોમાં અંદાજિત માત્ર ૧૦ મિનિટ અને ગ્રામ્ય કક્ષાએ માત્ર ૧૬ જ મિનિટમાં જ સ્થળ ઉપર ૧૦૮ની ટીમ હજાર થઈ જાય છે. કટોકટીની કોઈપણ ક્ષણે પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે ત્યારે સતર્કતા અને સમયબદ્ધતા સાથે સત્વરે ઈજાગ્રસ્તને સલામતી સાથે સંબંધિત યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવાની ૧૦૮ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે, જેના પરિપાકરૂપે આ સેવાએ રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલર અકસ્માતમાં ૫૬૦ કેઈસ, ફોર વ્હીલર અકસ્માતમાં ૯૪ કેઈસ, થ્રી વ્હીલર અકસ્માતમાં ૫૩ કેઈસ, અન્ય વાહન અકસ્માતમાં ૩૬ કેઈસ, ટ્રેન અકસ્માતમાં ૭ સહીત ગોંડલ તાલુકામાં ૮૬, જેતપુરમાં ૬૧, જસદણમાં ૩૫, કોટડા સાંગાણીમાં ૩૯, લોધિકામાં ૩૦, ધોરાજીમાં ૨૭, ઉપલેટામાં ૨૮, પડધરીમાં ૩૦, વિંછીયામાં ૧૯ કેઈસ નોંધાયા હતા. ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ ટુ વ્હીલર અકસ્માતમાં ૫૧૫ કેઈસ, ફોર વ્હીલર અકસ્માતમાં ૮૬ કેઈસ, થ્રી વ્હીલર અકસ્માતમાં ૫૯ કેઈસ, અન્ય વાહન અકસ્માતમાં ૪૪ કેઈસ, ટ્રેન અકસ્માતમાં ૫ સહીત ગોંડલ તાલુકામાં ૭૮, જેતપુરમાં ૫૭, જસદણમાં ૩૮, કોટડા સાંગાણીમાં ૨૧, લોધિકામાં ૨૯, ધોરાજીમાં ૨૦, ઉપલેટામાં ૧૬, પડધરીમાં ૧૩, વિંછીયામાં ૧૨ કેઈસ નોંધાયા હતા. રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓના સમયે રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે ૧૪૫૯ કેઈસમાં ત્વરિત સારવાર પૂરી પાડી નાગરિકો માટે જીવન રક્ષક બની છે. ગુજરાત રાજ્ય મેડિકલ સારવાર અને સેવાઓ ક્ષેત્રે દેશમાં અવ્વલ રહ્યું છે ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે જીવનરક્ષક બની છે. વાહન ગમે તેટલી સુવિધાવાળું હોય પણ ક્યારેય ઓવર સ્પીડમાં ચલાવવું જાેઈએ નહીં. જાે વાહનની ઝડપ ઓછી હોય તો કાબૂ મેળવી શકાય છે. અકસ્માતથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર આ માટે જરૂરી તમામ પ્રયાસો પણ કરી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફિક માર્ગદર્શન સેમિનાર, ટ્રાફિક સપ્તાહ ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ અર્થે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!