કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં કામોની સમીક્ષા
ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે “સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન” અમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન અંતર્ગત ખંભાળિયાના કલેકટર કચેરી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમા તેમના દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત શહેરી વિકાસ, પાણી પુરવઠા બોર્ડ, જળ સંપતિ વિભાગ, વન વિભાગ, વગેરે તમામ વિભાગો દ્વારા અભિયાન અંતર્ગત જળસંચયની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે અન્વયે જળસંચયના કામો તેમજ અભિયાનના આયોજનમાં લીધેલા કામોની જરૂરી મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી અધૂરા કામો સત્વરે પૂર્ણ કરવા તેમજ નવા કામ ચાલુ કરવા સુચના આપવામા આવી હતી. જળસંગ્રહ અભિયાન અંતર્ગત ચેકડેમ રીપેરીંગ, તળાવ ઊંડા કરવા, નદીઓ સાફ-સફાઈ કરવી, કેનાલ સાફ-સફાઈ કરવી આ તમામ પ્રકારના મરામતના અને જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. આ મિટિંગમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા તેમજ અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.